બનાસકાંઠા: શિક્ષણ વિભાગની પોલ હવે ધીરેધીરે છત્તી થતી હોય તેવું લાગી રહ્યું છે, દાતાની મહિલા શિક્ષિકા અને બનાસકાંઠા જિલ્લાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યા હતા. આ અંગે શિક્ષણ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે હવે આ રેલો સુરતમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો હાલ વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ છે. જેમાંથી 2 શિક્ષકો એવા છે કે, જેઓ છેલ્લા 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને 3 નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી.
2 શિક્ષકોએ 3 મહિનાનો પગાર લીધો: સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો હાલ વિદેશમાં છે. જેમાંથી 2 શિક્ષકો એવા છે કે, જેઓ છેલ્લા 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને 3 નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી. બીજી બાજુ 1 શિક્ષક એવા છે કે, જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડ આવ્યા જ નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી પણ નથી.
શિક્ષકો સામે સમિતિ કાર્યવાહી કરશે: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી છે. જે શિક્ષકો કે જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા પરંતુ 6 મહિનાથી પરત આવ્યા નથી. આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે. 2 મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમયમર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માગી હતી. પરંતુ તે સમયમર્યાદામાં તેઓ પરત આવ્યાં નથી અને 3 મહિના સુધીનો પગાર પણ લીધો છે. આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે.
5 શિક્ષકો વિદેશમાં હોવાનું બહાર આવ્યું: સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, હાલ સમિતિના 5 જેટલા શિક્ષકો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે મહિલા શિક્ષક એવા છે કે, જેઓ નિયત સમયમર્યાદા બાદ પણ અત્યારસુધી આવ્યા નથી. જેટલા દિવસની રજા લીધી હતી તે રજા પૂર્ણ થયા બાદ પણ હજી સુધી તેઓ સુરત પરત આવ્યાં નથી. આ મહિલા શિક્ષકોને 3 વાર નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓએ કોઈ જવાબ પણ આપ્યા નથી. જેથી હવે સમિતિ તેમને ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે.