ગાંધીનગર: દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામ વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. સમગ્ર કેસમાં જમીન માલિકો અને જમીન ખરીદનાર રાજકોટ જિલ્લાના જસદણના શખ્સ સહિત 8 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગાંધીનગર LCBએ 2 ખેડૂત અને 2 જમીન ખરીદનાર સહિત પાંચની ધરપકડ કરી હતી. પાંચેયના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. 2 આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ છે.
ગ્રામજનોની ઉગ્ર રજૂઆત બાદ પોલીસ ફરિયાદ: ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના જુના પહાડિયા ગામનો આખે આખો વેચાણ દસ્તાવેજ થઈ જતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા સમગ્ર મામલે દેહગામ સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતા વિશાલ મણીભાઈ ચૌધરી મૂળ જમીન માલિકો અને જમીન ખરીદનાર વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વેચાણ અને ખરીદનાર આરોપીઓ સામે ગુનો: દહેગામના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકિલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીરા તેમજ જમીન ખરીદનારા રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે આઇપીસીની કલમ 465, 467, 468, 471 અને 120 બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત રજીસ્ટ્રીકરણ અધિનિયમની સેક્શન 82 અને 83 હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
કેસની તપાસ ગાંધીનગર LCBને સોંપવામાં આવી: આ કેસની તપાસ ગાંધીનગર LCBને સોંપવામાં આવી છે. આ કેસના 8 આરોપીઓ પૈકી 2 આરોપી ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. LCBએ જમીન ખરીદનાર અલ્પેશ લાલજી હિરપરા, મયુર હસમુખ હિરપરા, જમીન દલાલ ધર્મેશ ચંદ્રકાંત વસાવાની ધરપકડ કરી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી કેસની તપાસ માટે રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થઈ ગયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ જમીનના દસ્તાવેજ માટે ખેડૂતોને 30 લાખ રૂપિયા ચેકથી તેમજ 20 લાખ રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા. 2 કરોડ રૂપિયામાં સમગ્ર જમીનનો શોધો થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.
2 આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે: દેહગામ તાલુકાના જુના પહાડિયા ગામ કેસમાં પોલીસે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 8 આરોપી પૈકી 5 આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 2 આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે આ જામીન અરજી પેન્ડિંગ છે થોડા દિવસમાં આગોતરા જામીન અરજી પર સુનવણી થશે.