ભુજ: છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં ડ્રગ્સ સહિત માદક પદાર્થોની હેરાફેરી વધી રહી છે. જોકે, પોલીસની સતર્કતાના કારણે અત્યાર સુધીમાં અનેક વખત ડ્રગ્સ માફિયાઓ અને નશાના સોદાગરો ઝડપાઈ ચુક્યા છે. ત્યારે ફરી એકવાર કચ્છમાંથી કરોડોનું કોકેઈન ઝડપાયું છે.
SOGની એક એક ટીમે લાકડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મઢી ત્રણ રસ્તા નેશનલ હાઇવે પર સામખિયાળી તરફ જતા રોડ પર આંતર રાજયમાંથી આવતા વાહનોની ચેકીંગ કર્યુ હતું. આ દરમિયાન હરિયાણા પાસિંગવાળી ઈકો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ આવતા તેની તપાસ કરવામાં આવી હતી. આ કારમાં હનિસિંગ બિન્દરસિંહગ શીખ, જશપાલકોર ઉર્ફે સુમન, સંદીપસિંહ પપ્પુસિંગ શીખ અને તેની પત્ની અર્શદીપકૌરની વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવી હતી અને કારની સઘન તપાસ કરી હતી અને તપાસ દરમિયાન કારમાં છુપાયેલું કોકેઈન મળી આવ્યું હતું.
1.47 કરોડનું કોકેઇન ઝડપાયું
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કારનું જીણવટપૂર્વક ચેકિંગ કરતા કા૨ના બોનેટમાં અને એર ફીલ્ટરના નીચેના ભાગે કોકેઈનનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. આ કોકેઈનનું કુલ વજન 147.67 ગ્રામ હતું. જેની કિંમત 1 કરોડ 47 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. પોલીસે તમામ 4 આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપી છે. મહત્વપૂર્ણ છે કે, આરોપી હનિસિંગ બિન્દરસિંહ શીખ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જેની વિરૂદ્ધ વર્ષ 2021માં લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જ આઈ.પી.સી કલમ- 143,147,148,149,307,323,325 તેમજ જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે માદક પદાર્થ મોકલનાર અને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઝડપાયેલા તમામ આરોપી પંજાબના
- હનિસિંગ બિન્દરસિંગ શીખ, 27 વર્ષ, ભટિંડા,પંજાબ
- સંદીપસિંહ પપ્પુસિંગ શીખ, 25 વર્ષ, ભટિંડા,પંજાબ
- જશપાલકૌર ઉર્ફે સુમન,29 વર્ષ, પંજાબ
- અર્શદીપકોર સંદીપસિંગ,21 વર્ષ શીખ,
(વોન્ટેડ)
- ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ
1.53 કરોડનો મુદ્દામાલ કબજે
પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આરોપીઓ પાસેથી 1,47,67,000 રૂપિયાનું 147.67 ગ્રામ કોકેઈન જપ્ત કર્યુ છે. આ ઉપરાંત મોબાઈલ, કાર મળીને કુલ 1,53,47,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે એક અઠવાડિયાની અંદર કોકેઇનનો આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માદક પદાર્થ મોકલનારની પત્ની સહિત એક દંપતી અને યુવકનો સમાવેશ થાય છે. માદક પદાર્થ મોકલનાર આરોપી ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખને વોન્ટેડ જાહેર કરાયો છે. તમામ આરોપીઓ સામે NDPS કાયદા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
NDPS કાયદાની કલમ મુજબ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે પોલીસે આ તમામ આરોપીઓને NDPS કાયદાની કલમ 42 અને 50 મુજબ તેમના અધિકારો અંગે જાણકારી આપી હતી અને તેમની ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાની શારીરિક તપાસ માટે સંમતિ આપે પરંતુ આ આરોપીઓએ શારીરિક તપાસ માટે પ્રથમ વખતમાં પ્રસ્તાવ નકાર્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
4 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહ શીખે કબૂલ્યું હતું કે, આ કોકેઇન તેના મિત્ર ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંહે પૂરું પાડ્યું હતું અને તેને જ કોકેઇનને કારમાં છુપાવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જ્યારે કાર ચેકીંગ દરમિયાન કોકેઇન પકડાયું ત્યારે બન્ને પુરુષ આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે NDPS એક્ટની કલમ 8(C), 22(C), અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ અહીં કચ્છની અંદર કોને આ માલ સપ્લાય કરવાના હતા અને કંઈ રીતે આ કારોબાર ચલાવી રહ્યા હતા તે દિશામાં પોલીસની તપાસ શરૂ છે.