તાપી : દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક યથાવત રહી છે. જેના પરિણામે ઉકાઈ ડેમ તેના રૂલ લેવલ પાસે પહોંચી જતા સીઝનમાં પ્રથમવાર ડેમના 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલ્યા : મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પ્રકાશ દેમ્મથી ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત નવા નીરની આવક થઈ છે. જેથી છેલ્લા 22 દિવસોમાં ડેમની સપાટી 22 ફૂટ વધતા ડેમની જળસપાટી 334.52 ફૂટ પર પહોંચી છે. ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન રાખવા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે.
કુલ 46,043 ક્યુસેક પાણી છોડ્યું : ઉકાઈ ડેમમાંથી 28,520 ક્યુસેક પાણી સાથે ડેમના હાઈડ્રોના ત્રણ યુનિટ ખોલી 16,923 ક્યુસેક તથા કેનાલ વડે 600 ક્યુસેક પાણી ડેમના સત્તાધીશો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 46,043 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 74,884 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે.
જીવાદોરી સમાન ડેમ : ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમ તેના રૂલ લેવલ સુધી ઝડપી રીતે પહોંચતા દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર કહી શકાય. ઉકાઇ ડેમ 5 જેટલા જિલ્લાઓને આખા વર્ષ માટે પાણી પૂરું પાડે છે. જેમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગ સહિતના કામો માટે પાણી પૂરું પાડે છે. જેને લઇ દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રો સહિતના લોકો ડેમમાં પાણીની આવક જોઈ ખુશખુશાલ થઈ રહ્યા છે.