મહેસાણા: મહેસાણામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સમગ્ર મામલો રાજકીય આગેવાનોએ પણ ઉપાડી લઈ આરોપીઓને તાત્કાલિક પકડવા રજૂઆત બાદ ઘટનાના આરોપીઓ અને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી જેલ હવાલે કરી દીધા છે. મહેસાણા નજીકના એક ગામમાં રહેતી સગીરા સાથે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનાના મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓ જેલ હવાલે કર્યા છે. સાથે સાથે સગીરાને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપનાર ગેસ્ટ હાઉસ સંચાલક વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે.
ગેસ્ટ હાઉસ સંચાલકો જરા થઈ જાઓ સાવધાન જો આપ પણ કોઈ પુરાવા વગર સગીર વ્યક્તિને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપો છો તો તમારી વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે. મહેસાણામાં બનેલી એક દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી સહિત મદદગારી કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. ઓળખના પુરાવા વગર પ્રવેશ આપનાર ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઇ છે. મહેસાણા નજીકના એક ગામની સગીરાને ખેરવા નજીક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર મામલે આરોપીઓ તાત્કાલિક નહીં પકડાતા કોંગ્રેસ અને ભાજપના નેતા, કાર્યકરો અને આગેવાનોએ પીડિતાના પરિવારની મુલાકાત લઈને એસપીને તાત્કાલિક આરોપીઓ પકડવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ દસેક કલાકમાં જ પોલીસે દાંતીવાડાથી મુખ્ય આરોપીને ઝડપી પાડયો છે.
સમગ્ર ઘટનામાં ઘર 26 સપ્ટેમ્બરના રોજ મહેસાણા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આરોપીઓએ પીડીત પરિવાર સાથે સમાધાન માટે ફોન કર્યા હતા. જેમાં મુખ્ય આરોપી વિજય રાવળ, વિજયને રૂમ બુક કરાવી આપનાર રાહુલ રાવળ, પીડિતાને માર મારનાર ચિન્ટુ ઠાકોર અને વિજય રાવળ વતી પીડિતા સાથે અંગ્રેજીમાં મોબાઇલમાં ચેટ કરનાર કુલદીપ સિંહ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે. તો ખેરવા નજીકની જે ગેસ્ટ હાઉસમાં પીડિતાને ગેસ્ટ હાઉસ સંચાલકે કોઈ આધાર પુરા વગર પ્રવેશ આપ્યો તે ગેસ્ટ હાઉસ સંચાલક સંજય સથવારા વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે. ગેસ્ટ હાઉસ સંચાલક સંજય સથવારા હાલ ફરાર છે.
મદદ કરનારાઓ પણ જેલમાંઃ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી વિજય રાવળ અંગે પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. વિજય રાવળ વિરુદ્ધ પ્રોહિબિશનના અગાઉ ઘણા ગુના નોંધાયેલા છે. તો વળી ચિન્ટુ ઠાકોર વિરુદ્ધ અગાઉ ચોરીના ઘણા ગુના નોંધાયેલા છે. સમગ્ર ઘટનામાં વિજય રાવળ જેસગીરા પીડિતાને ગેસ્ટ હાઉસમાં લઈને જવાનો હતો તેના માટે રાહુલ રાવળે રૂમ બુક કરવામાં મદદ કરી હતી. એટલે કે સમગ્ર ગુનામાં મદદગારી કરવામાં પણ સંડોવાઈ જતા વિજય રાવળ સહિત તેને મદદ કરનાર આરોપીઓ પણ જેલ હવાલે થઈ ગયા છે. તો વળી જિલ્લાના અન્ય ગેસ્ટ હાઉસ સંચાલકો સાથે મહેસાણા એસઓજી પોલીસે મિટિંગ કરીને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ વ્યક્તિ પણ આધારપુરા વગર પ્રવેશ આપવો જ નહીં.
આમ 26 સપ્ટેમ્બરે નોંધાયેલા ગુનાના ચારથી પાંચ દિવસ સુધી આરોપીઓ નહીં પકડાતા સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને કાર્યકરો પીડિતાના ઘરે પહોંચ્યા હતા અને એસપીને લેખિત રજૂઆત કરી હતી. તો ભાજપના ધારાસભ્ય સહિત આગેવાનોએ પણ પીડિતા પરિવારની મુલાકાત લઈને પોલીસને જરૂરી રજૂઆતો કરી હતી. જેના ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલ હવાલે કર્યા છે.