રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટની જનાના હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 3 દર્દી પોઝિટિવ છે. તો 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 5 દર્દીઓ એવાં છે કે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. એટલે કે, આ શંકાસ્પદ દર્દીઓ છે.
વધુ 3 શંકાસ્પદ કેસ: આજે એક સાથે 3 શંકાસ્પદ દર્દીઓ એડમિટ થયા છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ પાસે રહેતા 5 વર્ષનાં બાળકને ચાંદીપુરાના લક્ષણો હોવાથી તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જે મૂળ દ્વારકાના જામરાવલનો રહેવાસી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના 2 વર્ષનું બાળક અહીં દાખલ કરવામાં આવ્યું છે. જેનું મૂળ વતન પાવાગઢ છે. અને 2 માસ પહેલા જ પાવાગઢથી ધ્રાંગધ્રા આવેલું છે.
આ ઊપરાંત રાજકોટના તરઘડીયાની માત્ર 7 માસની બાળકીને ચાંદીપુરા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. જેની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ચાંદીપુરાના કેસમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.