ગીર સોમનાથ : અયોધ્યાના રામ મંદિરમાં આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ અને રત્નાકર સમુદ્ર કાંઠે બિરાજી રહેલા સોમેશ્વર મહાદેવ મંદિરથી 3.5 કરોડ રામનામ લેખન મહાયજ્ઞની પોથીયાત્રા સોમનાથ નિજ મંદિરથી પ્રભાસ તીર્થક્ષેત્રના ત્રિવેણી સંગમ ખાતે આવેલ રામ મંદિર સુધી કાઢવામાં આવી હતી.
રામનામ લેખન મહાયજ્ઞ : આ મહાયજ્ઞ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ, શિવભક્તો, ઋષિ કુમારો અને સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ખાસ સોમનાથ આવેલ શિવભક્તોએ ધાર્મિક વિધિ-વિધાન અને પૂજા વિધિ પૂર્ણ કરી રામનામ લેખન પોથીને તેમના મસ્તક પર ધારણ કરીને રામ મંદિર સુધી પગપાળા યાત્રા કરીને પહોંચાડી હતી. આ ક્ષણે જય શ્રી રામના ગગનભેદી નારા સાથે સમગ્ર સોમનાથનું વાતાવરણ જાણે કે અયોધ્યાના ધાર્મિક રંગે રંગાયું હોય તે પ્રકારના ઔલોકીક દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
3.5 કરોડ રામનામ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે. ત્યારે સૌ પ્રથમ તેમણે પોથીમાં શ્રી રામ નામ લખીને રામનામ લેખન મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. 80 દિવસ સુધી ચાલેલા આ રામનામ લેખન મહાયજ્ઞમાં 11 થી વધુ ભાષાઓમાં અનેક નામી-અનામી રાજકીય, ફિલ્મ જગત, ધાર્મિક અને શિવભક્તોની સાથે સામાન્ય નાગરિકોએ આ ગ્રંથમાં 3.5 કરોડ રામનામ લેખન પૂર્ણ કરીને ભગવાન શ્રીરામને આ પોથી અર્પણ કરી હતી.
રામ મંદિરમાં વિશેષ પૂજા : આજે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આજે પ્રભાસ તીર્થક્ષેત્રમાં ત્રિવેણી સંગમ કાંઠે બીરાજી રહેલા ભગવાન રામને આદિત્ય, ગૌરી, વિષ્ણુ કુંડના જળની સાથે સોમનાથના રત્નાકર મેરામણનું જળ તેમજ ત્રિવેણી સંગમની સાથે અયોધ્યાના સરયુ નદીના પવિત્ર જળથી સોમનાથ મંદિરના પંડિતો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજે થઈ રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશેષ પૂજાનું પણ આયોજન કરાયું છે. તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં હરી અને હરના ભક્તો જોડાશે.