ભૂજ: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મુદ્દે કડક વલણ અપનાવ્યું છે, અને રાજ્યભરમાં કડક ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે શિક્ષણ સંકુલોમાં પણ ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હતી.જેથી ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીના નિયામકની સૂચના અનુસાર કચ્છ જીલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જીલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 2600 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 254 ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
2615 શાળાઓમાં ચેકીંગ: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સુચના અને કચ્છના જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના આયોજન અને માર્ગદર્શન હેઠળ 2600 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે 254 જેટલી ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.કચ્છના 10 તાલુકાની કુલ પ્રાથમિક શાળાઓ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ 2100 તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની 515 જેટલી શાળાઓમાં સીઆરસી લેવલની 180 ક્યુંડીસી લેવલની 64 માધ્યમિક શાળા 64 અને બ્લોક લેવલની 10 ટીમો મળીને 2615 જેટલી તમામ કે.જી.બી.વી સહિત શાળાઓમાં સઘન ચેકીંગ કરવામાં આવી હતી.
કઈ રીતે કરાઈ ચકાસણી: જીલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લા શિક્ષણ વિભાગની ટીમો દ્વારા શાળાના પ્રકારની ઓળખ કરવામાં આવી હતી.
કેવી રીતે શાળાઓની કરાઈ ચકાસણી ?
- જો શાળા ગ્રાઉન્ડ લેવલ હોય તો ફાયર એસ્ટિંગ્યુશર તથા જો શાળા ગ્રાઉન્ડ લેવલ ઉપરાંત ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ધરાવતી હોય તો જરૂરી સાધનો તથા અન્ય જરૂરી અગ્નિ શામક સાધનો વસાવેલા છે કે નહિ ?
- ફાયર એન.ઓ.સી. મેળવેલ છે કે નહીં ?
- ફાયર NOC જો મેળવી હોય તો રીન્યૂ સમયસર કરાવેલ છે કે નહીં?
- ફાયર બોટલ સમય સર રીન્યૂ થાય છે કે નહી?
- પાણીના ટાંકા, વીજળીના સાધનો સુરક્ષિત છે કે નહીં?
સઘન મોનીટરીંગ
આ ઉપરાંત જે જે શાળાઓમા ખૂટતી બાબતો ધ્યાનમાં આવી છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા તથા જરૂર જણાય તો રાજ્ય કક્ષાએ વધુ સુવિધા માટે ગ્રાન્ટની દરખાસ્ત કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ બાળકો શાળાએ આવવા જે વાહનોનો ઉપયોગ કરે છે તે વાહન સુરક્ષિત છે કે નહિ તેની તકેદારી રાખવા શાળા સંચાલક મંડળને પણ સૂચનાઓ આપવામાં આવી છે. તો શાળાઓમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તેનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે.