પાટણ : સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઇ રહ્યો છે, પર્યાવરણની સમતુલા જોખમાઈ રહી છે. ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ પ્રેરિત મહાકાળી પીપળ વન ખાતે ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક નિર્માણ થનાર છે. તેના પ્રથમ સોપાનમાં 22 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરી રામ વન નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આવનારી પેઢીને શું આપી શકાય તેની આપણને ઘણી બધી ચિંતા હોય છે, તેનો ચોક્કસ ઉકેલ પર્યાવરણ છે. તે આપણને ઓકસીજન ઉપરાંત બહુ જ રીતે ઉપયોગી થાય છે. કદાચ પર્યાવરણ ખોરવાય તે સમયની સ્થિતિ વિશે આપણે બહુ જ સારી રીતે સમજી શકીએ છીએ. એટલે આપણે પર્યાવરણ પ્રત્યે સભાન બનીએ. -- બળવંતસિંહ રાજપૂત (કેબિનેટ પ્રધાન)
રામ વન નિર્માણનો પ્રારંભ : અયોધ્યામાં ભગવાન રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ પાટણ તાલુકાના નોરતા ગામની સીમમાં 250 વીઘા જેટલી વિશાળ જગ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અહીં 22,000 વૃક્ષો વાવીને સંતો-મહંતો, મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી રામ વનનું નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ વૃક્ષ દેવ થકી પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો.
રામ એક આદર્શ વ્યક્તિ હતા. પ્રકૃતિ પ્રેમી હતા. પ્રભુ રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્વારા જે રામવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેનાથી આ વિસ્તારનું વાતાવરણ પ્રકૃતિમય બની રહેશે. -- ડો. કિરીટ પટેલ (ધારાસભ્ય, પાટણ વિધાનસભા)
ગુજરાતનો પ્રથમ ઓક્સિજન પાર્ક : આ તકે કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂત, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા પૂજા વિધિ કરીને વૃક્ષોનું વાવેતર કર્યું હતું. અહીં ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક નિર્માણ થનાર છે, ત્યારે બળવંતસિંહ રાજપૂતે આયોજકોની ટીમને બિરદાવ્યા હતા.