રાજપીપળાઃ નર્મદાના રાજપીપળાના સોની બજારમાં રામ ભક્તો ઉમટી પડ્યા છે. સમાચાર એવા છે કે આવતીકાલે થનાર પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે રામ ભકતો પોતાના ઘરના મંદિર અને પૂજાના સ્થળે પણ પ્રભુ શ્રી રામને બિરાજમાન કરવા માંગે છે. તે માટે રાજપીપળાના રામ ભકતો પ્રભુ શ્રી રામની 24 કેરેટ સોનાની મૂર્તિ અને ફ્રેમની ખરીદી કરી રહ્યા છે. રાજપીપળાના સોની બજારમાં અત્યારે ધનતેરસ જેવી ખરીદીનો માહોલ જામ્યો છે.
સમગ્ર માહોલ રામમયઃ એક તરફ રાજપીપલામાં રામ મંદિર અને શણગારવાથી માંડીને ભજન કીર્તન તેમજ ભગવાન રામના નામે અનેક ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, તો બીજી તરફ રાજપીપલામાં સોનીની દુકાનોમાં ભગવાન રામ અને અયોધ્યા મંદિરની તસવીરોથી સજ્જ સોનાના વરખ ચડાવેલી મૂર્તિઓ અને ફ્રેમની ધૂમ ખરીદી થઈ રહી છે.
પરવડે તેવી કિંમતઃ "પ્રભુ શ્રી રામ મન્દિર અયોધ્યા"ના લખાણ સાથે ભગવાન રામ અને તેમનો પરિવાર, અયોધ્યા રામમંદિરની પ્રતિકૃતિ પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ હોવાથી ભકતો આ 24 કેરેટમાં બનેલ ફ્રેમને લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અયોધ્યા રામમંદિરની ડિઝાઈન તાજેતરમાં જ રાજપીપળા સોની બજારમાં આવી છે તેથી આ ફ્રેમ અને મૂર્તિ લેવા રામભક્તો ઉમટી પડ્યા છે. આ મૂર્તિ અને ફ્રેમની કિંમત 3000ની આસપાસ હોવાથી ભકતો હોંશે હોંશે રામલલ્લાની મૂર્તિ તેમના ઘરે લઈ જઈ રહ્યા છે.
ભકતો પોતાની યથાશક્તિ મુજબ સોની બજારમાંથી 24 કેરેટ ગોલ્ડ વાળી રામ ભગવાનની મૂર્તિ અને ફ્રેમની ખરીદી કરી રહ્યા છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે તે દિવસે રામ ભકતો પણ પોતાના ઘરે રામલલ્લાને બિરાજમાન કરવા માટે આ મૂર્તિ અને ફ્રેમ ખરીદી રહ્યા છે. ગ્રાહકોમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની ડિઝાઈન તાજેતરમાં જ તૈયાર થઈને આવી હોવાથી ગ્રાહકો તેની ધૂમ ખરીદી કરી રહ્યા છે...જીગ્નેશ સોની(વેપારી, રાજપીપળા)
અમારે પણ રરમી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પૂજા કરવી છે. તેથી અમે સોની બજારમાં રામ મૂર્તિની ખરીદી કરવા આવ્યા છીએ. અમે ઘરના મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પૂજા અર્ચના કરીશું...નરપટભાઈ(ગ્રાહક, રાજપીપળા)