મહેસાણા: ગાય માતા પ્રત્યે હિન્દુ સમાજમાં ધાર્મિક લાગણી છુપાયેલી છે. ગુજરાત રાજ્યમાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. ત્યારે મહેસાણામાં ગૌ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મહેસાણાના શોભાસણ રોડ અને લાખવડ રોડ નજીક ગૌહત્યા કરાયેલા ભાગ કચરામાં નાખી દીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણ જીવદયા પ્રેમીઓમાં થતા જ રોષ સાથે આક્રોશની લાગણી ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતા જીવ દયા પ્રેમીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. અને મોટી સંખ્યામાં પહોંચેલા ટોળાએ રોડ વચ્ચે બેસી જઈ તાત્કાલિક આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ સાથે ચક્કાજામ કરી દીધું હતું. ચક્કાજામ થતા જ સ્થાનિક પોલીસ પણ દોડતી ઘટના સ્થળ પર આવી હતી અને સમજાવટ બાદ રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. ત્યારે જીવ દયા પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે ખુલ્લેઆમ ગૌહત્યા કરી અને ગાય માતાના કેટલાક ભાગ અને માથાના ભાગ કચરામાં ફેંકી દિઘેલા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠાવી છે.