કચ્છ : 19 કરોડની ઠગાઈના કેસમાં બે મુખ્ય આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 80 થી વધુ ખાતા ખોલાવી લોકોને લાલચ આપી છેતરપિંડીની રકમ જમા કરાવી ગુનો કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ કુલ 33 ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ જુદા જુદા રાજ્યોમાં નોંધાઈ હતી.
19 કરોડની ઠગાઈ કેસ : ગાંધીધામમાં રહેતા ચિરાગ સાધુએ છેતરપિંડી, ઠગાઇના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ સાથે મળીને 80થી વધારે બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપીંડી કરેલ રકમ જમા કરાવી હતી. જેના અનુસંધાને કુલ 33 જેટલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ જુદા-જુદા રાજ્યોમાં નોંધાઇ હતી. જેમાં કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બે મુખ્ય આરોપી ઝડપાયા : આ કેસમાં મુખ્ય આરોપી રાજદીપક ધનવાણી તથા થાણે મહારાષ્ટ્રનો નિશાંત ઉર્ફે બાબુ ઉર્ફે ડીજે શિવનારાયણ બંસલ ઝડપાયો ન હતો. રાજદીપક દુબઇ નાસી ગયો હતો. તે દુબઇથી પરત ભારત આવવાનો હતો, જે દરમિયાન તેને મુંબઇ એરપોર્ટથી પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ નિશાંત ઉર્ફે બાબુને ટેકનિકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ : અગાઉ નોંધાયેલ આવા જ એક કેસમાં પણ આ આરોપીઓની સંડોવણી હતી. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સરહદી રેન્જની ટીમે નરેશ રમેશ સંગતાણી અને ભરત મુકેશ નેનવાયાને 44 જેટલી બેંક કિટ સાથે પકડી પાડ્યા હતા. તેમાં પણ હાલમાં ઝડપાયેલા બે મુખ્ય આરોપી બાબુ તથા રાજ ધનવાણીનું નામ સામે આવ્યું હતું.
કોણ છે માસ્ટર માઇન્ડ ? ઝડપાયેલા બંને મુખ્ય આરોપીના આદિપુરના ગુનામાં રિમાન્ડ મેળવ્યા બાદ ગાંધીધામના કેસમાં અટકાયત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ષડયંત્ર ચલાવનાર આ બંને મુખ્ય આરોપીની પાછળ અન્ય કોઈ છે કે નહીં તથા કોણ માસ્ટર માઇન્ડ છે તે દિશામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.