વલસાડ: ઉદવાડા ગામના દરિયા કિનારે પ્લાસ્ટિકની થેલીમાં દરિયાના પાણીમાં તણાઈ આવેલા 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ બીનવારસી પેકેટને લઈને સ્થાનીકોએ સરપંચ અને ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
દરિયા કિનારે બીન વારસી હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાં આ પેકેટ પડ્યા હતા પોલીસે તપાસ કરતા તેની અંદર 10 જેટલા પેકેટ જોવા મળ્યા હતા, જેમાં અંગ્રેજીમાં નારકો લખેલું પણ જોવા મળ્યું. આ પેકેટ નસીલો પદાર્થ હોવાની આશંકા જતા પોલીસે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમ બોલાવી પાવડરની તપાસ કરાવી હતી.
મામુલી નહીં પરંતુ ચરસના પેકેટ નીકળ્યા
સ્થળ ઉપર પહોંચેલી પોલીસે હકીકત જાણવા માટે ફોરેન્સિકની ટીમ બોલાવી તપાસ કરાવતા આ પાવડર ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસને બીનવારસી હાલતમાં દરિયાકિનારે પેકેટ પડ્યા હોવાની માહિતી મળતા પારડી પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ મળી આવેલા પેકેટ કબજે લીધા છે અને એક પેકેટનું વજન 1180 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે.
એક પેકેટનું વજન 1180 ગ્રામ: કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કિનારેથી અગાઉ પણ બિનવારસી પેકેટમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો જોવા મળ્યો છે, જેને પગલે અહીં પણ મળી આવેલા પેકેટમાં ડ્રગ્સ હોય તેવી આસંકા વ્યક્ત કરાઈ રહી છે જોકે મળી આવેલા પેકેટમાં વજન એક પેકેટનું 1180 ગ્રામ હોવાનું જાણવા મળી રહ્યું છે જેને પોલીસે કબજે લઈ આ પેકેટ અહીં ક્યાંથી આવ્યા અને તેને કોણ છોડી ગયું તે તરફ તપાસ શરૂ કરી છે.