નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ત્રીજી મેચ ઓમાન અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. આ મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું. જ્યાં નામિબિયાએ ઓમાનને 12 રને હરાવ્યું. આ સાથે જ નામિબિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે. નામિબિયાના ઓલરાઉન્ડર ડેવિડ વિઝને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
પ્રથમ દાવ: નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી ઓમાનની ટીમ બેટિંગ કરવા આવી અને 19.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓમાને નામીબિયાને 110 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓમાન તરફથી ખાલિદ કાયાલે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. આ સિવાય ઝીશાન મકસૂદે 22 અને અયાન ખાને 15 રન બનાવ્યા હતા.
મેચ સુપર ઓવરમાં ફેરવાઇ: ઓમાનના 110 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલા નામિબિયાના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને મોટાભાગના બેટ્સમેનોએ 100થી ઓછાના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. નામિબિયાએ પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. આ પછી મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. નામિબિયા માટે નિકોલસ ડેવિડે 31 બોલમાં 24 અને જેક ફ્રેન્કલિને 48 બોલમાં 45 રન બનાવ્યા હતા.
સુપર ઓવરમાં મેચનો ફેંસલો: બિલાલ ખાન ઓમાન માટે પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ડેવિડ વિઝે તેની ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ 2 બોલમાં 3 રન અને છેલ્લા બે બોલમાં 2 ફોર ફટકારી હતી.
આ પછી ઓમાન 21 રનના જવાબમાં માત્ર 10 રન બનાવી શકી હતી. વાઈસે શાનદાર ઓવર નાખી અને ત્રીજા બોલ પર વિકેટ લીધી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.