સુરત : આજે અમે તમને સુરતની એક એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએે જેણે સ્ટેટ, નેશનલ અને ઇન્ટનેશનલ લેવકના જીમ્નાસ્ટિક ઇવેન્ટમાં દેશનું રાજ્યનું અને સુરતનું નામ રોશન કર્યું છે. કંપની સેક્રેટરી બનવા માટે તૈયારીઓ કરી રહેલી અને સુરતના ઘોડદોડ રોડ પર રહેતી પ્રકૃતિ શિંદેની ઉંમર આમ તો 21 વર્ષ છે, પરંતુ આટલી નાની ઉંમરમાં પ્રકૃતિ શિંદેએ ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, અને 3 બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર 30 સુવર્ણ, 7 રજત અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર તરીકે સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
8 વર્ષની ઉંમરથી શરુ કર્યું જીમ્નાસ્ટિક : પ્રકૃતિ શિંદે નાનપણથી ખેલકૂદમાં રુચિ ધરાવતી હતી. 8 વર્ષની ઉંમરથી જ પ્રકૃતિ શિંદેએ જીમ્નાસ્ટિક શીખવાનું શરૂ કર્યું હતું. સ્કૂલમાં રજાઓનાં દિવસમાં સમયનો સદઉપયોગ કરી જીમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરતી હતી. જેમ જેમ જીમ્નાસ્ટિકમાં રૂચી વધતી ગઈ તેમ તેમ વધારે સમય આપી જીમ્નાસ્ટિકની કોમ્પિટિશનમાં ભાગ લઈ રહી હતી. જીમ્નાસ્ટિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળી પ્રકૃતિ શિંદે ભણવા સાથે રોજ 14 કલાક પ્રેક્ટિસ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રકૃતિ ભણવામાં પણ હોશિયાર છે અને એણે અંગ્રેજી માધ્યમમાં કોમર્સ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.
અરેબિક જીમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો : પ્રકૃતિ શિંદેએ જણાવ્યુ હતું કે, જણાવ્યું કે મને નાનપણથી જીમ્નાસ્ટિકમાં રુચિ હતી અને શોખના કારણે શરૂ કર્યું હતું. ધીરે ધીરે રુચિ વધતી ગઈ. ગોવામાં 16મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 2 રજત પદક જીત્યાં. મોંગોલિયામાં આયોજિત અરેબિક જીમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મારી એકજ ઈચ્છા છે કે હું હજુ વધારે મહેનત કરીને દેશ માટે હજુ વધારે મેડલ જીતુ અને દેશનું નામ રોશન કરું. હું સાથે કંપની સેક્રેટરી માટે પણ તૈયારીઓ કરી રહી છું.
એક દિવસ જરૂરથી દેશનું નામ રોશન કરશે : પ્રકૃતિ શિંદેના કોચ સાગરે જણાવ્યું કે, પ્રકૃતિ નાનપણથી જ મારા ક્લાસમાં જીમ્નાસ્ટિક શીખવા આવે છે. તે ખૂબ મહેનતુ અને ટેલેન્ટેડ ખેલાડી છે. એનામાં શીખવાની પણ ખૂબ ધગશ છે. મારું માનવું છે કે પ્રકૃતિ એક દિવસ જરૂરથી દેશનું નામ રોશન કરશે. પરીક્ષા સમયે તે પરીક્ષાની તૈયારીઓ કરે છે અને જ્યારે ઇવેન્ટ હોય ત્યારે ટુર્નામેન્ટ માટે ખૂબ જ મહેનત કરે છે.