વડોદરા: ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં દરેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર માણસો ડૂબી જાય તેટલું પાણી ભરી ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર રાધા યાદવ પણ ફસાઈ ગઈ છે. સોશિયલ મીડિયા થકી રાધે આ માહિતી આપી હતી.
ગુજરાતમાં લગભગ દરેક જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદના કારણે 11 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. NDRF ની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. આ સાથે વડોદરામાં પણ આવી જ પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો બેટમાં બદલાયા છે. જેમાં ભારતની મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી.
તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવેલા ભારતીય મહિલા ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવ વડોદરામાં ધોધમાર વરસાદના કારણે આવેલ પૂરમાં ફસાઈ ગઈ હતી. માણસો ડૂબી જય તેટલા પાણીમાં રાધા યાદવ અને તેનો પરિવાર ફસાઈ ગયો હતો. NDRF ની ટીમ દ્વારા રાધા અને તેમના પરિવારનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. સ્ટાર બોલરે NDRF ની ટીમનો પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાહનો, ઈમારતો અને તમામ રસ્તાઓ ડૂબી ગયા હોવાથી NDRF લોકોને બોટમાં લઈ જતા જોઈ શકાય છે. 20 કલાક પહેલા રાધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતાં જણાવ્યું કે, ‘અમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફ ટીમનો ખૂબ ખૂબ આભાર…’
રેસ્ક્યૂ કરી લીધા બાદ ક્રિકેટરે 3 કલાક પહેલા બીજી સ્ટોરી પોસ્ટ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા ફાયર બ્રિગેડણો આભાર વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે, "આવી ખરાબ સ્થિતિ કે જ્યાં કોઈનું પણ પહોંચવું અશક્ય છે, એવામાં આ ટીમ દરેક લોકોની મદદ કરી રહી છે, સૌને જમવાનું પહોંચાડી રહ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર… #VMSS"