નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા આયોજિત થનારા આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે ICC સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 2 થી 29 જૂન દરમિયાન રમાશે. આ મેગા ઈવેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ દરમિયાન અમેરિકાના લોડરહિલ, ડલ્લાસ અને ન્યૂયોર્ક સ્ટેડિયમમાં 16 મેચો યોજાશે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 8 મેચો રમાવાની છે, જેમાં 9 જૂને રમાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન બ્લોકબસ્ટર મેચનો સમાવેશ થાય છે.
ભારત-પાકિસ્તાન મેચ માટેની ટિકિટો જાહેર: ICC એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં રમાનારી બહુપ્રતિક્ષિત મેચની ટિકિટો જાહેર કરી છે. ICCએ આ શાનદાર મેચ માટે ટિકિટની કિંમત લાખોમાં રાખી છે. ICCએ ડાયમંડ કેટેગરીની એક ટિકિટની કિંમત 20 હજાર ડોલર (લગભગ 16.65 લાખ ભારતીય રૂપિયા) રાખી છે. ટિકિટના આટલા ઊંચા ભાવ જોઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પિતા લલિત મોદી ગુસ્સે થઈ ગયા છે.
લલિત મોદીએ ICCને સંભળવી ખરી ખોટી : IPLના સ્થાપક લલિત મોદીએ ભારત-પાકિસ્તાન મેચ માટે આટલી મોંઘી કિંમત માટે ICCને ફટકાર લગાવી છે. X પર પોસ્ટ કરતા લલિત મોદીએ લખ્યું, 'જાણીને આશ્ચર્ય થયું કે ICC ભારત-પાકિસ્તાન મેચની 1 ડાયમંડ ક્લબ ટિકિટ 20000 ડોલરમાં વેચી રહી છે. અમેરિકામાં વર્લ્ડ કપનું આયોજન રમતને વિસ્તારવા અને ચાહકોને જોડવા માટે કરવામાં આવી રહ્યું છે, નફો કમાવવા માટે. $2750 (લગભગ 2.29 લાખ ભારતીય રૂપિયા)માં ટિકિટ વેચવી એ ક્રિકેટ નથી.
ભારત-પાકિસ્તાન મેગા મેચ 9 જૂને રમાશે: 2012 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. આ બંને ટીમો માત્ર ICC ઈવેન્ટ્સમાં જ એકબીજા સામે રમે છે. આ જ કારણ છે કે બંને ટીમો વચ્ચે રમાતી મેચને લઈને ફેન્સનો ક્રેઝ ઘણો વધી જાય છે. T20 વર્લ્ડમાં આગામી મેચ 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આવી સ્થિતિમાં ICC પણ આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટિકિટની કિંમત લાખો રૂપિયામાં રાખી છે. આ જ કારણ છે કે આ શાનદાર મેચની ટિકિટની કિંમત 300 ડોલર (લગભગ 25 હજાર) થી શરૂ થઈ છે.