નવી દિલ્હી : ICC T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં 3 મેચ અને સુપર 8 સ્ટેજમાં 1 મેચ જીતી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024માં હારનો સામનો કરવો પડ્યો નથી. હવે મેન ઇન બ્લુ બાંગ્લાદેશ સામે આજે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે સુપર-8ની તેની બીજી મેચ રમશે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ બાંગ્લાદેશ સામે પ્લેઈંગ-11 માં મોટો ફેરફાર કરી શકે છે.
શિવમ દુબેનું પત્તુ કપાશે ? વાસ્તવમાં, શિવમ દુબે આ ટૂર્નામેન્ટમાં ભારત માટે ફિનિશર તરીકે રમતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં સંપૂર્ણપણે નિરાશ કર્યા છે. શિવમે 4 મેચની 4 ઇનિંગ્સમાં માત્ર 44 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે માત્ર 1 ફોર અને 2 સિક્સર જ નોંધાવી છે. આ આંકડા પરથી દુબેના ખરાબ પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે. શિવમ દુબેના આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સંજુ સેમસનને પ્લેઈંગ-11 માં સામેલ કરી શકે છે.
સંજુ સેમન્સને તક મળશે ? સંજુ સેમન્સે IPL 2023 માં શાનદાર પ્રદર્શન કર્યું અને 15 મેચમાં 531 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી હતી. સંજુ સેમસન T20 ક્રિકેટમાં નંબર 3 પર સારી બેટિંગ કરે છે, આ સાથે તે ભારતીય ટીમ માટે નંબર 5 પર પણ વિસ્ફોટક ઈનિંગ રમી શકે છે.
કોની એન્ટ્રી-કોણ આઉટ ? જો શિવમ પ્લેઈંગ-11 માંથી બહાર થાય છે, તો હાર્દિક પંડ્યા ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. આ T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં ઘણી લાંબી સિક્સ ફટકારી છે. તે ડેથ ઓવરમાં મોટા શોટ રમવા માટે જાણીતો છે, જ્યારે સંજુ સેમન્સ ટીમ ઈન્ડિયાને સ્થિરતા પ્રદાન કરશે, જે શિવમ દુબે કરી શકતો નથી.