નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ગંભીરે પોતાની પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફની તસવીર લગભગ સ્પષ્ટ કરી દીધી છે. શ્રીલંકા પ્રવાસ પર તેને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટિંગ કોચ અભિષેક નાયર દ્વારા સપોર્ટ કરવામાં આવશે. આ સાથે તેને રેયાન ટેન ડોશચેટનું સમર્થન પણ મળવાનું છે.
ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફ સ્ટાફમાં કોને મળી જગ્યા: ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના કોચિંગ સ્ટાફ વિશે ખુલાસો કરતા કહ્યું કે, 'મને BCCI તરફથી ટીમ મળી છે જે હું ઈચ્છતો હતો, હું મારી પસંદગીની ટીમ મેળવીને ખુશ છું. મારી મોટાભાગની માંગણીઓ BCCIએ પૂરી કરી છે. મારા કોચિંગ સ્ટાફમાં અભિષેક નાયર, સાઈરાજ બહુતુલે, ટી દિલીપનો સમાવેશ થાય છે. આ સાથે રેયાન ટેન ડોશચેટને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે, જે શ્રીલંકામાં ટીમ સાથે જોડાશે.
કયો કોચ ટીમમાં શું ભૂમિકા ભજવશે: આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અભિષેક નાયર અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નેધરલેન્ડના ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટ ટીમ ઈન્ડિયામાં સહાયક કોચની ભૂમિકા ભજવી શકે છે. આ બંને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં કોચ હતા, જ્યાં આઈપીએલ 2024માં ગૌતમ ગંભીર મેન્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયામાં પૂર્વ ભારતીય ક્રિકેટર સાઈરાજ બહુતુલે બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાના જૂના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ખેલાડીઓને ફિલ્ડિંગની બારીકાઈઓ શીખવતા જોવા મળશે.
ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરુ થઈ રહ્યો છે, જેના માટે ટીમ આજે શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે. અહીં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ત્રણ ટી-20 મેચ અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ત્રણ વનડે મેચ રમવાની છે.