ખેડા: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાની ગતિવિધી વધારી દેવામાં આવી છે. જે વચ્ચે ખેડા લોકસભા બેઠક પર કયા મુદ્દા પર ચૂંટણી લડાશે, વિજય માટે રાજકીય પક્ષો માટે જાતિ-જ્ઞાતિના સમીકરણ કેવા અસરકારક રહેશે,તેમજ મતદારોમાં થયેલો વધારો કયા પક્ષ કે ઉમેદવારને ફાયદો અપાવશે તથા વર્તમાન સાંસદ દ્વારા કરવામાં આવેલા કાર્યોનો લાભ મળશે કે ગેરલાભ સહિત રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવા મુદ્દાઓ વિશે જાણીશું ખેડા જિલ્લાના રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર એવા દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ પાસેથી.
મત ક્ષેત્રને અસરકર્તા મુદ્દા: ખેડા લોકસભા બેઠક પર મુખ્યત્વે રાષ્ટ્રીય મુદ્દા જ અસરકર્તા રહેશે.દક્ષેશભાઈના જણાવ્યા મુજબ સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય તો તેમાં સ્થાનિક મુદ્દાઓ મહત્વ ધરાવતા હોય છે.પરંતુ સંસદીય ગૃહની ચૂંટણીમાં મુખ્યત્વે રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ ચુંટણી લડાતી હોય છે અને રાજકીય પક્ષો તે મુદ્દા ઉપર જ મત માગવાનો તેમજ પ્રજાને રિઝવવાનો પ્રયત્ન કરતા હોય છે.ત્યારે ખેડા લોકસભા બેઠક પર મુખ્યત્વે વિકાસ, રોજગારી,મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ અસરકર્તા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
જાતિ ગણિત અને જ્ઞાતિ સમીકરણ: ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે.શરૂઆતથી મોટા ભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો.પરંતુ 2014થી અહીં પરિવર્તન બાદ 2014 અને 2019 માં એમ ભારતીય જનતા પાર્ટીનો કબજો જોવા મળી રહ્યો છે. અહીં જ્ઞાતિ સમીકરણ સામાન્ય રીતે બહુ અસરકર્તા હવેના સમયમાં રહ્યા નથી.રાજકીય પક્ષો વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમજ મતદારો પણ જ્ઞાતિજાતિ સમીકરણ ઉપરાંત વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપતા થયા છે.જેને લઇ જ્ઞાતિ સમીકરણ બહુ અસરકારક પરિબળ તરીકે જોઈ શકાતું નથી
મતદારોમાં થયેલો વધારો: 2024ની લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર નવા યુવા મતદારોનો વધારો થયો છે. દક્ષેશભાઈના જણાવ્યા મુજબ મોટાભાગના યુવા મતદારો વિકાસની વાત જ સાંભળી ચૂકેલા છે. અગાઉ દસેક વર્ષ પહેલાંની ચૂંટણીઓમાં જે મુદ્દાઓ હતા તે મુદ્દાથી નવી પેઢી ઓછી પરિચિત છે. જેને લઇ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડાશે અને નવા મતદારોનો જોકે મહદંશે વિકાસ તરફ રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે તેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
વર્તમાન સાંસદે કરેલા કામોનો લાભ: વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા બે ટર્મમાં લોકસભા વિસ્તારમાં શિક્ષણ,સિંચાઈ આરોગ્ય,રસ્તા,પીવાનું પાણી સહિતના વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કપડવંજ વિસ્તારમાં વર્ષો જૂની સિંચાઈ માટેની સુવિધા નો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે.તેમજ વિસ્તારમાં કેન્દ્રીય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ મળી રહ્યો છે.તેનો સીધો લાભ દેવુસિંહને થવાનો છે અને તેઓ આ મુદ્દા સાથે પ્રજા સમક્ષ જવાના છે.
સોશિઅલ મીડિયાનો ઉપયોગ: હાલના સમયમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાના માધ્યમનો વ્યાપક ઉપયોગ કરવો આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે અહીં લોકસભા બેઠક માટે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પોતાની વાત પહોંચાડવાનો પૂરજોર પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. દેવુસિંહ ચૌહાણ દ્વારા પાર્ટીના અને પોતાના દ્વારા વિસ્તારમાં કરેલા કાર્યોને હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે.