સુરત: લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા બીજી યાદીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 72 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામેલ છે. વલસાડ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે.
રાજનીતિક કરિયરની શરૂઆત: વર્ષ 2009થી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2013માં ધવલ પટેલને ટ્વીટર પર ફોલો કરતા થયા હતા. ત્યારબાદ અમિત શાહે પણ તેમને ટ્વિટર પર ફોલો કરવાની શરૂઆત કરી. ત્યારબાદ ધવલ પટેલ વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભા ચૂંટણી માટે ઓનલાઇન કેમ્પેનિંગ ભારતીય જનતા પાર્ટી માટે કરી રહ્યા છે. વર્ષ 2021માં તેઓએ કેપજેમનીમાં ડાયરેક્ટર પદથી રાજીનામું આપી સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ એશિયા સ્પેસિફિકના હેડ હતા. આશરે 35 લાખ રૂપિયા પેકેજ વાળી નોકરી છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આદિવાસી સમાજ પર બે પુસ્તકો લખી: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તેઓએ બી ટેક કમ્પ્યુટર ઇન્ફોર્મેશનની ડીગ્રી મેળવી છે. 12 વર્ષ સુધી તેઓ અનેક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પણ કરી ચૂક્યા છે. આ સાથે તેઓ પુને સિમ્બોઈસીસમાંથી એમબીએની ડિગ્રી મેળવી ચૂક્યા છે. યુએસ, યુરોપ, લંડન, સાઉથ ઇસ્ટ એશિયા જેવા દેશોમાં પણ તેઓ નોકરી કરી ચૂક્યા છે. પાર્ટી માટે તેઓ આઈ.ટી વિભાગમાં સતત કાર્યરત રહ્યા હતા. તેઓ બે આદિવાસી સમાજ પર પુસ્તક પણ લખી ચૂક્યા છે. 75 જનજાતિય ક્રાંતિવીર, મોદી વિથ ટ્રાઇબલ બે પુસ્તકો તેઓ લખી ચૂક્યા છે.
'આનંદ પટેલ મારી માટે પ્રતિસ્પર્ધી નથી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આભાર વ્યક્ત કરું છું. જે રીતે અમારા પ્રદેશ પ્રમુખે જણાવ્યું છે કે દરેક બેઠક પર પાંચ લાખની લીડ સાથે જીતવાનું છે તે ચોક્કસથી લીડ સાથે અમે જીતીશું. ખાસ કરીને અમે ટ્રાયબલ બેલ્ટમાં જે પણ કામો બાકી છે તેની ઉપર ફોકસ કરી તમામ કામો અમે કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજ માટે ઘણા કામો કર્યા છે, જ્યારથી તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારથી જ તેઓ આદિવાસી સમાજ પર ફોકસ કરતા આવ્યા છે. આનંદ પટેલ મારી માટે પ્રતિસ્પર્ધી નથી. - ધવલ પટેલ, ઉમેદવાર, વલસાડ લોકસભા
અનંત પટેલ સાથે કરશે મુકાબલો: ભાજપના ધવલ પટેલ સામે અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. અનંત પટેલ વર્ષ 2017માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વાંસદા બેઠક ઉપરથી વિજય થયા હતા અને તે સમયે તેમને 18,293 મતોની લીડ મળી હતી. જે બાદ ફરીથી વર્ષ 2022 માં તેઓ ધારાસભ્ય બન્યા હતા તે સમયે તેમને કુલ 35 0 33 ના મતોની લીડ મળી હતી. આમ તેઓ બે ટર્મ ધારાસભ્યનું પદ ભોગવી ચુક્યા છે, જ્યારે હાલ ફરીથી તેમને લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.