સુરત: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ સામે કરવામાં આવી છે અને ફરિયાદ કોંગ્રેસ લીગલ સેલના બલવંત સુરતી દ્વારા કરવામાં આવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગત 14મીના રોજ રેલ્વે તંત્ર દ્વારા 6 નવી ટ્રેન શરુ કરવા માટેની જાહેરાત પાટીલ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે સી.આર.પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેઓએ જાહેરાત કરી હતી કે વર્તમાન કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના આગ્રહથી આ ટ્રેન શરુ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલોઃ 14 મી એપ્રિલના રોજ ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓ એકત્ર થઈ ગયા હતા અને ધક્કા મૂકીની સ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ હતી તો કેટલાક લોકો બીમાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સી આર પાટીલે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ રાખી હતી અને પત્રકારોને જાણકારી આપી હતી કે, આ પરિસ્થિતિ અંગે અશ્વિની વૈષ્ણવે જાણકારી આપવામાં આવી છે અને તેઓએ છ જેટલી ટ્રેનોની જાહેરાત કરી છે ટૂંક સમયમાં લોકોને આ ટ્રેનોની સુવિધા પણ મળી રહેશે આ જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઇલેક્શન કમિશનને આચાર સંહિતાની ફરિયાદ કરવામાં આવી હતી.
અચાર સંહિતા ભંગનો આરોપઃ આ મામલે કોંગ્રેસ લીગલ સેલના એડવોકેેટે જણાવ્યું હતું કે, આ ફરિયાદ બળવંત એમ સુરતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર તરફથી કરવામાં આવી છે. આચાર સંહિતા પ્રમાણે કોઈ પણ રાજકીય વ્યક્તિ સરકારની સિદ્ધિને પોતાના પ્રચાર માટે ઉપયોગ કરી શકે નહી જે માટે બળવંત સુરતી દ્વારા ફરિયાદની નકલ રાજ્ય ચૂંટણી પંચ, નવસારી કલેકટર સહીત અન્યોને મોકલવામાં આવી છે. આ સ્પષ્ટ પણે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે જેથી કડક પગલાં માટે કાર્યવાહીની માંગ કરી છે.