રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 445 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત પર કોંગ્રેસના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ સભ્યએ કહ્યું કે, તેમને જસદણ વીંછિયાના એક ભાજપ અગ્રણી ફોન કરીને કહી રહ્યા છે કે તમે ભાજપમાં જોડાઈ જાવ તો જ તમારા વિસ્તારના કામો થશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગી સભ્યો દ્વારા આ પ્રકારના આક્ષેપો થતાં અચાનક સભાનું વાતાવરણ ગરમાયું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ : રાજકોટ જિલ્લા પંચાયતમાં રજૂ થયેલ બજેટ અંગે માહિતી આપતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુ ડાંગરે જણાવ્યું કે, આજે રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રૂ.445 કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે. બજેટમાં કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. તેમજ તમામ સભ્યોએ સ્વેચ્છિક રીતે આ બજેટ મંજૂર કર્યું છે.
અમારા કામ માટે પૈસા મંજૂર થતાં નથી, અમે જિલ્લા પંચાયતના અગ્રણીનો સંપર્ક કર્યો, ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારા પાંચ સભ્યો અગાઉ ભાજપમાં આવી ગયા હતા. હવે તેમ આવી જાવ એટલે તમારું કામ થઈ જશે. -- મનસુખ સાકરીયા (કોંગ્રેસ સભ્ય, રાજકોટ જિલ્લા પંચાયત)
કોંગ્રેસ સભ્યનો આક્ષેપ : આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજની આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બજેટ રજૂ થાય તે પહેલાં જિલ્લા પંચાયતના તમામ સભ્યોને એવું કહેવામાં આવ્યું આવ્યું હતું કે તમારા વિસ્તારમાં રૂ. 11-11 લાખનું કામ સૂચવવાનું છે. અમે પણ સરકારના નિયમ અનુસાર અમારા વિસ્તારના કામ સૂચવ્યા હતા.
કોંગ્રેસના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના વિસ્તારના કામના પૈસા મંજૂર કર્યા નથી, પરંતુ એવું નથી. જિલ્લામાં સૌથી વધુ પૈસા જસદણ અને વીંછિયા વિસ્તારમાં વાપરવામાં આવ્યા છે. -- રાજુ ડાંગર (ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત)
'ભાજપમાં આવી જાવ' : મનસુખ સાકરીયાએ વધુમાં કહ્યું કે, જસદણ તાલુકાના ભાડલા, કમળાપુર, શિવરાજપુર અને વીંછિયા સહિતના 7 જેટલા ગામોમાં કોંગ્રેસના સભ્યો છે તે વિસ્તારમાં અમારું એક પણ સૂચન સ્વીકારવામાં આવતું નથી. જ્યારે અમે આ મામલે જિલ્લા પંચાયતના અગ્રણીનો સંપર્ક કર્યો, ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારા પાંચ સભ્યો અગાઉ ભાજપમાં આવી ગયા હતા. હવે તેમ આવી જાવ એટલે તમારું કામ થઈ જશે.
શાસક પક્ષે આક્ષેપ ફગાવ્યા : કોંગ્રેસ સભ્યના આક્ષેપ પર જવાબ આપતા રાજુ ડાંગરે જણાવ્યું કે, કોંગ્રેસના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના વિસ્તારના કામના પૈસા મંજૂર કર્યા નથી, પરંતુ એવું નથી. રાજ્યના મુખ્યપ્રધાન ગયા અઠવાડીએ વીંછિયા ગયા હતા અને અંદાજે રૂ. 300 કરોડથી વધુના અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ પૈસા જસદણ અને વીંછિયા વિસ્તારમાં વાપરવામાં આવ્યા છે.