- ભાજપ માટે સબ-સલામત : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક
વર્ષ 2009 માં અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ત્રણેય ચૂંટણીમાં ભાજપે વિજય હાંસલ કર્યો છે. 2009 માં ભાજપના જૂના જોગી હરીન પાઠકે કોંગ્રેસના દીપક બાબરીયાને 80,056 મતે હરાવી ભાજપનો દબદબો આરંભ્યો હતો. 2014 ની મોદી લહેરમાં ભાજપે હિન્દી ફિલ્મના કલાકાર પરેશ રાવલને ઉમેદવાર બનાવ્યા હતા. 2014માં ભાજપના પરેશ રાવલે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 3.26 લાખ મતની જંગી લીડથી હરાવ્યા હતા.
2019 માં કોઈ સંજોગવશ પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડતા ભાજપે બે ટર્મના ધારાસભ્ય અને મૂળ મહેસાણી પાટીદાર હસમુખ પટેલને ટિકિટ આપી હતી. વર્ષ 2019 માં હસમુખ પટેલે કોંગ્રેસના ગીતાબહેન પટેલને 4.34 લાખ મતે હરાવીને પોતાનો દબદબો દાખવ્યો હતો. નવાઇની વાત એ છે કે, ભાજપે 2009, 2014 અને 2019માં સતત ઉમેદવારો બદલ્યા છે, પણ દરેક ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને જંગી લીડથી બહુમતીથી હરાવ્યા છે. કોંગ્રેસે પણ 2009-2014-2019 માં સતત નવા ચહેરાને ભાજપના દબદબા સામે ઉતાર્યા પણ કોંગ્રેસના ઉમેદવારો સતત હારતા રહ્યાં છે.
- અહીં ઉમેદવાર નહીં, ભાજપના કમળને મળ્યો મત
અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્ર અંતર્ગત સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ શહેરની બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ, નરોડા અને વટવા, તો ગાંધીનગર જિલ્લાની દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. દહેગામ વિધાનસભા બેઠક સિમાંકન પહેલા કપડવંજ લોકસભા બેઠકનો હિસ્સો હતી.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કુલ 5 શહેરી વિસ્તારો પર ભાજપનું પ્રભુત્વ છે. બાપુનગર વિધાનસભા બેઠક પરની છેલ્લી ત્રણ ચૂંટણી પૈકી બે ચૂંટણી ભાજપે જીતી છે. જોકે કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણી પૈકીની બે વિધાનસભા ચૂંટણી ત્રણ હજાર મતની સરેરાશથી હારી છે. ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર ભાજપ મોટા માર્જિનથી જીતે છે. 2022માં ભાજપે 60 હજાર મતની સરસાઈથી જીત મેળવી હતી.
નરોડા બેઠક પર 1990થી સતત સિંધી સમાજના ઉમેદવારો સારી સરસાઇથી જીતતા આવ્યો છે. તો નિકોલ અને વટવા બેઠક પર ભાજપનો દમખમ હંમેશાથી રહ્યો છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસને પરપ્રાતિયો, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારોના મત મળે છે. જ્યારે ભાજપને હિંદુત્વ, વિકાસ અને નરેન્દ્ર મોદીના ચહેરા પર જંગી મત મળે છે. જેનાથી ભાજપના આયાતી ઉમેદવારો પણ પક્ષના ચિન્હના આધારે જીતે છે.
- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતદારો
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણી માટે કુલ 20,10,350 મતદારો નોંઘાયા છે. જે રાજ્યની કુલ 7 વિઘાનસભા બેઠક વિસ્તારમાં છે. 2024 લોકસભા ચૂંટણી માટે નોંઘાયેલા કુલ મતદારો પૈકી પુરુષ મતદારોની સંખ્યા 10,52,968 છે, જ્યારે મહિલા મતદારો 9,57,269 છે. અન્ય મતદારોની સંખ્યા 113 છે. સૌથી મતદારો વટવા (4,06,978) વિધાનસભા ક્ષેત્રના છે, જ્યારે સૌથી ઓછા મતદારો બાપુનગરમાં (2,06,297) છે. વટવા વિધાનસભા મતક્ષેત્રમાં 1,89,487 મહિલા મતદારો છે, જે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક હેઠળના વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ સંખ્યા છે. જ્યારે બાપુનગરમાં 98,517 મતદારો સાથે સૌથી ઓછા મહિલા મતદારો છે. અન્ય મતદારોની સૌથી વધુ સંખ્યા વટવામાં (28) અને નરોડામાં (27) છે, જ્યારે સૌથી ઓછા અન્ય મતદારોની સંખ્યા નિકોલમાં આઠની છે. કુલ અન્ય મતદારોની સંખ્યા 113 છે.
- મૂળ અમદાવાદ બેઠકના સાંસદોનો રોચક ઇતિહાસ
અમદાવાદ લોકસભા બેઠક પર આરંભમાં કોંગ્રેસનું જ પ્રભુત્વ રહ્યું હતું. પણ 1977 બાદ કોંગ્રેસ માટે આ બેઠક પડકારજનક રહી છે. 1952માં કોંગ્રેસના ઉમેદવાર ગણેશ વાસુદેવ માવળંકર જેઓ દેશના પ્રથમ લોકસભાના સ્પીકર હતા, તેઓ અમદાવાદ લોકસભા બેઠકથી જીત્યા હતા. કમનસીબે ગણેશ વાસુદેવ માળવંકર લોકસભાની મુદત દરમિયાન અવસાન પામ્યા અને તેમના અવસાન બાદ તેમના પત્ની સુશીલાબહેન ગણેશ માવળંકર પેટા-ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા હતા.
1957 થી 1962ની બીજી લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક વિજેતા થયા હતા. અમદાવાદની બીજી લોકસભા અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કરસનદાસ ઉકાભાઈ પરમાર વિજેતા થયા હતા. ગુજરાતમાં ઈન્દુચાચા તરીકે જાણીતા થયેલા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અમદાવાદ બેઠક પરથી ચાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. અમદાવાદ લોકસભા બેઠક પરથી એક માત્ર મુસ્લિમ ઉમેદવાર તરીકે અહેસાન હુસેન અલાબક્ષ જાફરી 1977ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. તો અમદાવાદ બેઠક પરથી કોંગ્રેસ છેલ્લી વાર લોકસભા ચૂંટણી 1984માં જીતી હતી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે દેશમાં પ્રસરેલા સિમ્ફની વેવમાં કોંગ્રેસના ઉમેદવાર હરૂભાઈ મહેતા 1984માં અમદાવાદ બેઠકથી છેલ્લા કોંગ્રેસી સાંસદ બન્યા હતા.
- સળંગ 35 વર્ષ ભાજપનો એકચક્રી દબદબો
કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી અમદાવાદ લોકસભા બેઠક પર ભાજપને સૌ પ્રથમવાર વિજય અપાવનાર હરિન પાઠક એલ. કે. અડવાણીની નજીક મનાતા હતા. 1989માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે જીતેલા હરિન પાઠક કોંગ્રેસના સુરેન્દ્ર રાજપૂતને 1,47,357 મતે હરાવીને વિજયી બન્યા હતા. 1989 ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 પૈકી 12 બેઠક જીતીને પોતાનો પાયો નાંખ્યો હતો. હરીન પાઠકે 1989થી 2004 સુધીની સળંગ પાંચ લોકસભા ચૂંટણી જીતીને અમદાવાદ બેઠક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું. નવા સીમાંકન બાદ અમદાવાદ લોકસભા બેઠકનું બે બેઠકોમાં વિભાજન થયું. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતા. ભાજપે ડો. કિરીટ સોલંકીને 2009થી સળંગ 2019 સુધીની ત્રણ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ઉતાર્યા. વ્યવસાયે તબીબ ડો. કિરીટ સોલંકીએ 2009 થી 2019 સુધી સતત ત્રણ લોકસભા ચૂંટણી પૈકીની 2014 અને 2019ની ચૂંટણી ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતી છે. 2009ની ચૂંટણી ડો. કિરીટ સોલંકીએ 91,127 મતે જીતી હતી.
- 2014 મોદી લહેરમાં ભાજપ બન્યું મજબૂત
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વેવ અને અચ્છે દિન આને વાલે હૈ ના નારા સાથે જંગી લીડથી ભાજપના પરેશ રાવલનો વિજય થયો હતો. હિન્દી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ મૂળ આયાતી ઉમેદવાર હતા, જેમણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 3.26 લાખ મતે હરાવ્યા હતા. પરેશ રાવલ 2014ની પોતાની ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને તેમના વ્યક્તિત્વના ભારોભાર વખાણ કરતા હતા. પોતાની વિવિધ ચૂંટણી સભામાં કરેલી ટિપ્પણી અને નિવેદનને લઈને પણ પરેશ રાવલ વિવાદમાં રહ્યા હતા. પરેશ રાવલની સાંસદ તરીકેની ટર્મમાં મતક્ષેત્રના વિકાસ અંગે ઓછી સક્રિયતા રહી હતી, જેનાથી મતદારોમાં તેમના પ્રત્યે રોષ હતો. 2019ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને પરેશ રાવલે ભાજપ માટે નવા ઉમેદવારને ઉતારવા માટે તક આપી હતી. 2019માં ભાજપ ઉમેદવાર અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલને 4.34 લાખ મતે હરાવીને ભાજપનું પ્રભુત્વ સિદ્ધ કર્યું હતું.
- 2024 લોકસભા ચૂંટણીમાં ઈતિહાસનું પુનરાવર્તન ?
અમદાવાદ પૂર્વ બેઠક પર એક તરફી પરિણામ આવે છે. જેના કારણે કોંગ્રેસ પોતાના ઉમેદવાર પણ મોડા જાહેર કરે છે. 2024 માં પણ ભાજપે ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ હસમુખ પટેલને રિપીટ કર્યા, તો કોંગ્રેસે પણ પોતાના પૂર્વ ઉમેદવાર અને અમદાવાદના ભૂતપૂર્વ મેયર હિંમતસિંહ પટેલને રિપીટ કર્યા છે.
કોંગ્રેસ પાસે હાલમાં એન્ટી ઇન્કમ્બન્સી, ઇલેક્ટ્રોલ બોન્ડ સિવાય કોઈ સ્થાનિક મુદ્દો નથી. તો ભાજપ પાસે મોદીની ગેરંટી, મેં મોદી કા પરિવાર, રાષ્ટ્રવાદ, રામ મંદિર, અબ કી બાર 370 પાર, ત્રિપલ તલાક, સમાન નાગરિક ધારા જેવા રાષ્ટ્રીય અને સ્થાનિક વિકાસ, વિશ્વકર્મા યોજના સહિત વિકાસ કાર્યક્રમોના મુદ્દા છે.
ચૂંટણી પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થાપનમાં જે આક્રમકતા કોંગ્રેસે દાખવી જોઇએ એવી આક્રમકતા કે વ્યૂહ રચના હજી પણ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર દેખાતી નથી. 2009-2014 અને 2019 ની જેમ 2024 લોકસભા ચૂંટણી પણ ભાજપ પોતાના નામે કરે એવો માહોલ મતક્ષેત્રમાં હાલ જોવા મળે છે.