નવી દિલ્હીઃ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંદર્ભે સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઉચ્ચ સ્તરીય સમિતિને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સંસદીય શાસન વ્યવસ્થાને અપનાવેલ દેશમાં એક સાથે ચૂંટણીની અવધારણાને કોઈ સ્થાન નથી તેમ જણાવ્યું છે. તેમણે કૉંગ્રેસ પાર્ટી 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' વિચારનો ભારે વિરોધ કરે છે તેવું કહ્યું છે. સમિતિના સચિવ નીતેન ચંદ્રને મલ્લિકાર્જુન ખડગેએ લખેલ પત્રમાં સૂચન કર્યુ કે, આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર જ બંધારણની મૂળ સંરચનાના વિરોધમાં છે અને જો એક સાથે ચૂંટણી કરાવવી હોય તો બંધારણની મૂળ સંરચનામાં સંપૂર્ણપણે પરિવર્તન કરવું પડે.
તેમણે પત્રમાં લખ્યું છે કે, જે દેશમાં સંસદીય શાસન પ્રણાલિને અપનાવી હોય તે દેશમાં એક સાથે ચૂંટણીની અવધારણાને પણ કોઈ સ્થાન નથી. સરકાર દ્વારા એક સાથે ચૂંટણી માટેના પ્રયાસો બંધારણની નિહિત સંઘવાદની ગેરંટીના વિરુદ્ધમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ તરફથી સૂચન માટે 18મી ઓક્ટોબરના રોજ કૉંગ્રેસ અધ્યક્ષને પત્ર લખવામાં આવ્યો હતો. હવે તેના જવાબમાં કૉંગ્રેસ અધ્યક્ષે 17 મુદ્દામાં પોતાના સૂચના સમિતિ પાસે મોકલ્યા છે.
ખડગેએ કહ્યું કે, સરકારે આ સમિતિ શરુ કરી તેમાં જ પ્રમાણિક બનવાની જરુર હતી. આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર જ બંધારણની મૂળ સંરચનાના વિરોધમાં છે અને જો એક સાથે ચૂંટણી કરાવવી હોય તો બંધારણની મૂળ સંરચનામાં સંપૂર્ણપણે પરિવર્તન કરવું પડે. ખડગેએ પત્રમાં લખ્યું છે કે, હું કૉંગ્રેસ પાર્ટી અને દેશની જનતા તરફથી ઉચ્ચ સ્તરીય સમિતિને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરુ છું કે બંધારણ અને સંસદીય લોકશાહીને નષ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર તેમના વ્યક્તિત્વ અને પૂર્વ રાષ્ટ્રપતિ હોવાના મહત્વનો દુરઉપયોગ ન કરવા દે.