જુનાગઢ: નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ કેન્દ્રમાં આજે ત્રીજી વખત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય સરકાર શપથ લેવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનવાની બરોબરી કરશે. આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહ શરૂ થશે. શપથ માટે ગૌધુલિક સમય નિર્ધારિત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની શપથવિધિને લઈને જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે સમયને લઈને સરકારની કુંડળી બનાવી છે, જેમાં શત્રુહંતા યોગની હાજરી છતા એપ્રિલ 2025 સુધી પનોતી ચાલતી હોવાને કારણે શનિની પીડા જોવા મળશે. જેનું નિવારણ સમગ્ર સરકાર અને નરેન્દ્ર મોદી વિચારવું પડશે
ગૌધુલીક સમય નક્કી કરાયો: શપથવિધિ માટે સાંજે 07 મીનીટ અને 15 કલાકનો ગૌધુલીક સમય નક્કી કરાયો છે. આ સમયે શપથવિધિની કુંડળીમાં વૃશ્ચિક લગ્ન આવે છે, જે સ્થિર લગ્ન હોવાથી સરકાર સ્થિર બની રહે તે માટે સમય નિર્ધારિત કરાયો છે. શપથવિધિની કુંડળીમાં સાતમુ સ્થાન જે સ્થાન ભાગીદારી તથા પ્રજા સાથેના સંબંધોનું સ્થાન છે, ત્યાં બુધ ગુરુ અને શુક્ર જેવા શુભ ગ્રહો એક સાથે જોવા મળે છે, અને સૂર્ય જેવો તેજસ્વી ગ્રહની હાજરી સાથી પક્ષો સાથે ગઠબંધન ટકી રહે અને ગઠબંધન વાળી સરકાર પ્રભાવી અને સારું કામ કરનારી બની રહેશે તેવું અનુમાન જ્યોતિષાચાર્ય જય પ્રકાશ માઢકે વ્યક્ત કર્યું છે.
શપથ વિધિની કુંડળીમાં લગ્નેશ મંગળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ સાથે સમગ્ર કેન્દ્રીય પ્રધાનમંડળ શપથ લેવા જઈ રહ્યું છે આ કુંડળીમાં લગ્નેશ મંગળ છઠ્ઠા સ્થાને મેષ રાશિમાં બળવાન થઈને બેઠેલો જોવા મળે છે તેથી શત્રુહંતા નામનો યોગ બને છે જે વડાપ્રધાન મોદીને શત્રુઓ પર વિજય અપાવશે તેવું અનુમાન જ્યોતિષાચાર્ય જય પ્રકાશ માઢકે વ્યક્ત કર્યું છે ભાગ્ય સ્થાને ચંદ્ર બિરાજી રહ્યો છે જે ઉત્તમ ભાગ્યનો નિર્દેશ પણ કરે છે
શપથ ગ્રહણની નકારાત્મક અસરો: આજે સાંજે 07:15.00 કલાકે વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય કેબિનેટ શપથ લેવા જઈ રહી છે, ત્યારે જે સમયે શપથવિધિ ચાલી રહી છે, તે કેન્દ્રીય સરકાર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. શનિ મંગળ પર દ્રષ્ટી કરે છે, તેથી નોકરીયાત વર્ગ ખેડૂત અને મજૂરો તરફથી વડાપ્રધાન મોદી અને સમગ્ર સરકાર સામે અનેક નવા પડકારો ઊભા થશે.નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન અને મોંઘવારીને લઈને ચર્ચામાં જોવા મળતી હતી, આ વખતે તેમાંથી છુટકારો થાય તેવી ગ્રહ દશા જોવા મળતી નથી. માર્ચ 2025 માં રાહુ કુંભ રાશિમાં શનિની સાથે આવતા માર્ચ અને એપ્રિલ મહિનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સરકાર માટે કષ્ટકારક બની રહેશે. 2025 નો માર્ચ અને એપ્રિલ મહિનો નરેન્દ્ર મોદી અને કેન્દ્રની સરકાર માટે ખૂબ જ સંભાળવા જેવો હશે તેવું પણ જયપ્રકાશ માઢક જણાવી રહ્યા છે.