ગાંધીધામ: કચ્છ લોકસભા બેઠક પર શુક્રવારે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કચ્છના ગાંધીધામ ખાતે રોડ શો યોજ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું 400 કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીધામના ગાંધી માર્કેટથી આ રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં કચ્છ-મોરબી લોકસભા બેઠકના વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા. જ્યારે મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી. આમ ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો હતો.
વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શકિત પ્રદર્શન કર્યું હતું. તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીધામની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારોએ અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે. ગાંધીધામ એક લઘુભારત છે.ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકોમાં જે ઊર્જા અને ઉમંગ દેખાઈ રહી છે તેમજ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જેનાથી જણાઈ આવે છે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનો મન બનાવી દિધો છે.
નડ્ડાએ ઉમેર્યુ હતું કે, આ લોકસભા ચૂંટણી એ ચૂંટણી નથી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાની ચૂંટણી છે. છેલ્લા 10 વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે, 10 વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે. 10 વર્ષમાં ભારત દેશને આપણે અગ્રણી દેશ તરીકે જોયું છે. ત્યારે આજે ભારતની સૌથી મોટો પોર્ટ કંડલા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે ભારત આજે 11માં નંબરથી 5માં નંબરની અર્થ વ્યવસ્થા બની ચૂક્યું છે. હવે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશું એટલે ભારત ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બની જશે.