રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા અપાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે રોષ છવાયો છે. રૂપાલા વિરોધી આ જુવાળ અને રોષ વચ્ચે દિલ્હીથી કેબિનેટ મિટિંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરેલા રૂપાલાએ અમદાવાદ હવાઈ મથકે મીડિયાને સંબોધ્યા બાદ રાજકોટની રાહ પકડી હતી, અને આજે શુક્રવારથી રૂપાલાએ ક્ષત્રિયોનાં વિરોધ વચ્ચે ઝંઝાવાતી પ્રચારનો આરંભ પણ કરી દીધો, તો બીજી તરફ ક્ષત્રાણીઓ રણચંડી બની છે અને ઘેર-ઘેર રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા મતદાતાઓ સમજાવી રહી છે.
શુક્રવારે રાજકોટમાં વાતાવરણમાં તો મહદંશે ઠંડક અનુભવાતી હતી, પરંતુ રાજકીય પારો આકરો વર્તાઈ રહ્યો હતો, એક તરફ પુરૂષોત્તમ રૂપાલાએ ઝંઝાવાતી પ્રચાર આરંભ્યો તો બીજી તરફ ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ રણચંડી બનીને ઘેર-ઘેર ફરીને મતદાતાઓને આહ્વાન કરતી જોવા મળી હતી, જેમાં રોષે ભરાયેલી ક્ષત્રાણીઓ બોયકોટ રૂપાલાની પતાકાઓ પણ ઘેર ઘેર ચોંટાડતી જોવા મળી હતી અને રૂપાલા કી ટિકિટ રદ કરોનાં નારાઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરતા જોવા મળી હતી.
ક્ષત્રીય સમાજની મહારેલી રૂપે રાજકોટ જીલ્લા કલેક્ટર અને રાજકોટ ચૂંટણી અધિકારેને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત કરવામાં આવ્યો, જેમાં રણચંડી બનેલી ક્ષત્રાણીઓ વતી કરણીસેનાનાં હોદેદાર, ભારતીય જનતા પક્ષનાં સદસ્ય અને ક્ષત્રિય મહિલા અગ્રણી ક્ષત્રિય મહારેલી માટે ગામડે-ગામડેથી ક્ષત્રિયો તેમજ રજવાડાઓને પણ અપીલ કરાઈ રહી છે. હવે આ વિવાદમાં ધાર્મિક સંતો-મહંતો પણ ક્ષત્રિયોનાં સમર્થનમાં આવી પહોંચ્યા છે અને પદ્મિણીબા તેમનું અન્નશંન છોડે તે દિશામાં આ ધર્મગુરુઓ પ્રયત્નશીલ છે.
ગુજરાતમાં સરકારી નોકરી, ભરતીઓ, પરીક્ષાઓ અને શૈક્ષણિક લડતો સાથે જોડાયેલ નામ યુવરાજસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજનાં વિરોધ કાર્યક્રમમાં પોતાનું સમર્થન આપવા આવી પહોંચ્યા છે અને સંતો મહંતોનાં આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. નાગાબાવા પંથનાં ગંગાગીરી મહારાજે પોતાનું સમર્થન દર્શાવતા આ વિરોધને યોગ્ય ઠેરવીને જરૂર પડ્યે ક્ષત્રિયો માટે પોતાનું માથું પણ ખપાવી દેવા તૈયારી દાખવી હતી અને સરકારમાં ઉચ્ચ હોદાઓ પર બેઠેલા નેતાઓ અને મંત્રીઓને સંબોધીને પોતાની વાત રજુ કરી હતી.
શનિવારે ક્ષત્રિય સમાજ દ્વારા જીલ્લા કલેક્ટરને રૂપાલાની ટિકિટ રદ કરવા યોજાનારી મહારેલીમાં આ સંતો અને મહંતો પણ જોડાશે જેમણે ક્ષત્રિય સમાજની તરફેણમાં તેમના વક્તવ્યો રજુ કર્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવા આ સંતો-મહંતોએ પણ ભારતીય જનતા પક્ષને આવાહન કર્યું છે.
એક તરફ રૂપાલાનો ઝંઝાવાતી કાર્પેટ-બોમ્બિંગ સ્ટાઈલ્ડ પ્રચાર અને બીજી તરફ રોષે ભરાયેલો ક્ષત્રિય સમાજ જેને રૂપાલાની ટીકી કાપવા સિવાય કાંઈ ખપતું નથી, તેવામાં શનિવારે યોજાનારી ક્ષત્રિય મહારેલી પર રાજકીય વિશ્લેષકોની નજર ચોંટેલી છે કે આ રાજકીય સમુદ્રમંથનમાંથી શું ઉત્ત્પન થશે?