ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યાર સુધીમાં 4 યાદી જાહેર કરી દીધી છે, ત્યારે આજે રવિવારે ભાજપે વધુ એક એટલે કે પાંચમી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતમાં લોકસભાની વધુ 5 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત વિવાદોમાં રહેલી વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટના સ્થાને હેમાંગ વસાવડાને ટિકિટ આપી છે. જ્યારે જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને રિપિટ કરાયા છે. આ ઉપરાંત મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠા થી શોભના બારેયા અને સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે.
લોકસભાની 6 બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
- વડોદરાથી હેમાંગ વસાવડા
- મહેસાણાથી હરિભાઈ પટેલ
- જુનાગઢથી રાજેશ ચુડાસમા
- સાબરકાંઠા થી શોભના બારેયા
- સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા
- અમરેલીથી ભરત સુતરિયા
રાજેશ ચુડાસમાઃ વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભાની ચૂંટણી જીતવામાં રાજેશ ચુડાસમા સફળ થયા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જેતે સમયના માંગરોળના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2019 માં પણ ઉમેદવાર જાહેર કરવાની લઈને છેક સુધી સસ્પેન્સ જોવા મળ્યું હતું તેમાં પણ રાજેશ ચુડાસમા ને ઉમેદવાર જાહેર કરાયા હતા. હવે ફરી એકવાર વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ભારે સસ્પેન્સ વચ્ચે ભાજપે રાજેશ ચુડાસમા પર પસંદગી ઉતારી છે.