હૈદરાબાદઃ 2070 સુધીમાં નેટ-ઝીરો લક્ષ્ય હાંસલ કરવાથી 50 મિલિયનથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે. ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (RE) ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં 100 ગીગાવોટ પહેલાથી જ સ્થાપિત છે. તેમ છતાં ભારતમાં RE વર્કફોર્સમાં મહિલાઓનો હિસ્સો માત્ર 11 ટકા છે. જે વૈશ્વિક સરેરાશ 32 ટકા કરતાં ઘણો ઓછો છે. એકલા ભારતમાં RE સેક્ટર 2030 સુધીમાં અંદાજે 10 લાખ લોકોને રોજગારી આપવા માટે તૈયાર છે.
જો મહિલાઓની કુશળતા, મૂડી અને નેટવર્ક હવે વિકસિત ન થાય તો તેઓ આ તકો ગુમાવી શકે છે. યક્ષ પ્રશ્ન એ છે કે રિન્યુએબલ એનર્જી અને તેને સંબંધિત ક્ષેત્રોમાં વધુ મહિલાઓને સામેલ કરવા માટેના ઉપાયો કયા છે? સૌપ્રથમ, આ ક્ષેત્રમાં લિંગ પૂર્વગ્રહ અને અસમાનતાના વિવિધ કારણોને ઓળખવાની તાતી જરૂરિયાત છે. હાલમાં ભારતમાં પરિમાણયોગ્ય રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં જેન્ડર બાયસ એક મોટો અવરોધ છે.
આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, શ્રમ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અન્ય નોડલ એજન્સીઓ જેવા સરકારી વિભાગોની વ્યવસ્થિત અને વ્યાપક ડેટા સંગ્રહ માટે સહયોગ અને વિકાસ કરવાની જરૂર છે. આ મિકેનિઝમ સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સ પર બહુપરીમાણીય, લિંગ-વિચ્છેદિત ડેટાની ઈન્વેન્ટરી બનાવવામાં મદદ કરશે. આનાથી સરકારને આ ક્ષેત્રમાં મહિલાઓ માટે તકો વધારવા માટેના લક્ષ્ય ઘડવામાં મદદ મળશે.
બીજું, કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ, ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રોમાં નિર્ણાયક છે. ઘણી નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રોની નોકરીઓ માટે ઉચ્ચ-સ્તરીય કૌશલ્યની જરૂર હોય છે. જેનું મૂળ ઘણીવાર STEM કુશળતામાં હોય છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની આગાહી છે કે, આગામી દાયકામાં સર્જાયેલી 80 ટકા નોકરીઓ STEM કૌશલ્યોની માંગ કરશે. જો કે, STEMમાં મહિલાઓનું નોંધપાત્ર રીતે ઓછું પ્રમાણ છે. જેમાં ભારતમાં માત્ર 14% કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેઓ STEM નોકરીઓ ધરાવે છે.
સોલાર એનર્જી પાવર પ્રોજેક્ટ્સની સ્થાપના, સંચાલન અને જાળવણીમાં રોજગારની વધતી તકોમાં યુવાનો, ખાસ કરીને મહિલાઓની કુશળતા વધારવા માટે, નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા 'સૂર્ય મિત્ર' કૌશલ્ય વિકાસ કાર્યક્રમ જેવી પહેલ કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી (NISE)ની આ પહેલ છે. જો કે, કાર્યક્રમમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે ઓછી રહી છે. 2015 અને 2022ની વચ્ચે કુલ 51,529 યુવાનોને તાલીમ આપવામાં આવી હતી, પરંતુ માત્ર 2,251 અથવા 4.37% મહિલાઓ હતી.
STEMમાં મહિલાઓને તાલીમ અને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્કેલેબલ, પ્રભાવશાળી કૌશલ્ય પ્રમાણપત્ર કાર્યક્રમો વિના મહિલા કામદારો, મદદગારો અને સહાયક સ્ટાફ જેવી અસ્થાયી ભૂમિકાઓ સુધી મર્યાદિત રહેવાની શક્યતા છે. એક શૈક્ષણિક માળખું જે STEMમાં મહિલાઓને પ્રોત્સાહિત કરે છે તે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉકેલોથી સંબંધિત ગ્રીન જોબ્સમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલા નેતાઓ, મેનેજરો, એન્જિનિયરો અને તકનીકી વ્યાવસાયિકોને પ્રોત્સાહન આપશે.
ત્રીજું, અસરકારક બિઝનેસ મોડલ તરીકે મહિલાઓની ઊર્જા સાહસિકતાને સ્કેલ કરો. ખાસ કરીને દૂરના વિસ્તારોમાં સમુદાયો સુધી પહોંચવા માટે આ કારગત છે. ગ્રામીણ ભારતમાં જ્યાં વિતરણ કંપનીઓ (DISCOMs) ઉચ્ચ વિતરણ અને ટ્રાન્સમિશન નુકસાન અને જૂની ગ્રીડ માળખાના પડકારોનો સામનો કરે છે. વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જા (DRE) સોલ્યુશન્સ જેમ કે સૌર ફાનસ, સૌર લાઇટિંગ સિસ્ટમ્સ અને માઇક્રો-ગ્રીડ ઝડપી ઉકેલ પ્રદાન કરે છે. આ ઉકેલોથી વીજળીની પહોંચમાં સુધારો થઈ શકે છે. DRE સોલ્યુશન્સને સફળ અને વર્તમાન અંતરને પૂરવા માટે પૂરતા પ્રમાણમાં સ્કેલેબલ બનાવવા માટે, હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસ્થાઓનો ઉપયોગ કરતા ટકાઉ બિઝનેસ મોડલ્સને વિકસિત કરવાની જરૂર છે.
મહિલાઓ પ્રાથમિક ઘરગથ્થુ ઊર્જા સંચાલકો તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ટકાઉ ઉર્જા તરફના પરિવર્તનમાં સમુદાય સ્તરે પરિવર્તનના નોંધપાત્ર પરિબળ તરીકે કાર્ય કરી શકે છે. સ્થાનિક પરિસ્થિતિઓના જ્ઞાનને જોતાં, મહિલાઓ ઊર્જા ઉત્પાદનો અને સેવાઓના વેચાણને પ્રોત્સાહિત કરી શકે છે. મજબૂત વિતરણ અને સર્વિસિંગ નેટવર્ક્સ સ્થાપિત કરી શકે છે. નવી ઊર્જા ઍક્સેસ તકનીકોને અપનાવવા પ્રોત્સાહન આપી શકે છે. આ સ્પષ્ટ અને સકારાત્મક સહસંબંધ હોવા છતાં ઊર્જા સુધી મહિલાઓની સંખ્યા વધારવા માટે કરવામાં આવતા પ્રયત્નો મર્યાદિત રહે છે. ઊર્જા મૂલ્ય શૃંખલામાં મહિલાઓને હજુ પણ ઓછી તક આપવામાં આવે છે.
મહિલા-કેન્દ્રિત બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી મહિલાઓ માટે ધિરાણ, મિકેનિઝમ્સ અને ઉત્પાદનો વિકસાવવાથી નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ થઈ શકે છે. મહિલાઓ પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે આગળ આવી શકે છે. આખરે, આ વ્યૂહરચનાઓ સૌથી વધુ અસરકારક રહેશે. સ્વચ્છ ઊર્જા સંક્રમણ માટે કેન્દ્રિય હોય તેવી સામાજિક, રાજકીય અને આર્થિક ચર્ચાઓમાં મહિલાઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવી જોઈએ. જો કે આ રૂપાંતર માટે ક્રમશઃ અને સતત પ્રયત્નોની જરૂરી છે.