હૈદરાબાદઃ ગત વર્ષની સરખામણીમાં વર્લ્ડ લેવલે 2022માં સાયબર હુમલામાં 38%નો વધારો થયો છે. સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરવો તે જટીલ છે અને સમય માંગી લે તેવું છે. સાયબર હુમલામાં ઘણી વખત નોંધપાત્ર નુકસાન થાય છે. શિક્ષણ, આરોગ્ય સંભાળ, બેન્કિંગ અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ફાયદાઓ ઉપરાંત જોખમો પણ છે. સાયબર ગઠીયાઓ સામેની લડતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવા માટે બહુપક્ષીય વ્યૂહરચનાઓ આવશ્યક છે.
મુખ્ય હેતુ-નાણાંઃ સાયબર સુરક્ષા ક્ષેત્રે ભારતમાં કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) કાર્યરત છે. જે સાયબર સુરક્ષાના જોખમોનો સામનો કરતી નોડલ એજન્સી છે. સાયબર નિષ્ણાતોની એક ટીમ 24 કલાક સાયબર જોખમોને શોધવા અને તેને ઘટાડવા માટે સતત કાર્યરત છે. માત્ર 2020માં CERT-Inમાં સાયબર ઘૂસણખોરી સંબંધિત આશરે 11.58 લાખ ફરિયાદો મળી હતી.
AIIMSના સર્વર્સ સાથે ચેડાઃ સાયબર ઠગોની સ્ટ્રેટેજીમાં ડેટા ચોરી, ટાર્ગેટિંગ અને નબળું સોફ્ટવેર મહત્વના પૂરવાર થાય છે. નોંધનીય છે કે હેકર્સે નવેમ્બર 2022માં દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સર્વર્સ સાથે ચેડા કર્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે 4 કરોડથી વધુ સંવેદનશીલ રેકોર્ડ્સ એક્સેસ કર્યા હતા.
માલવેરનો ઉપયોગઃ ડેટામાં દેશના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓની માહિતીનો સમાવેશ કરવામાં થતો હતો. જે સુરક્ષા સંદર્ભે ચિંતાઓ સર્જે છે. AIIMSના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરવા માટે ભારે ખંડણીની માંગણી થઈ હોવાના સમાચારો પણ હતા. જૂન 2023માં સાયબર અપરાધીઓએ AIIMS કોમ્પ્યુટર સિસ્ટમનો ભંગ કરવાના પ્રયાસમાં માલવેરનો ઉપયોગ કર્યો હતો. સદનસીબે, સંસ્થાની મજબૂત સાયબર સીક્યુરિટીએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
લિંકસની જાળમાં યુઝર્સ ફસાય છેઃ હેકર્સ બિઝનેસ અને પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરવા માટે વિવિધ સ્ટ્રેટેજી અપનાવે છે. જેમાં ફિશિંગ ઈમેલ્સ બહુ પ્રચલિત છે. આ ભ્રામક ઈમેલ પ્રતિષ્ઠિત સ્ત્રોતો અથવા વિશ્વાસપાત્ર વેપારીઓના સંદેશાવ્યવહારની નકલ હોય છે. જે માલવેરને ઈન્સ્ટોલ કરતી લિંક્સ સાથે યુઝર્સને લલચાવે છે. આ લિંક્સ પર ક્લિક કરવાથી હેકર્સને ઈલેક્ટ્રોનિક ઉપકરણો, કમ્પ્યુટર સિસ્ટમ્સ અને ગોપનીય વ્યક્તિગત ડેટાનો એક્સેસ મળી જાય છે. દરરોજ હજારો યુઝર્સ આ ફિશિંગ ઈમેલ્સના શિકાર બને છે. આ જોખમને ઓછું કરવા માટે તમામ ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન પર આંધળો વિશ્વાસ મુકવાને બદલે સાવચેતી રાખવી આવશ્યક છે. મળતા દરેક ઈમેલની ઓથેન્ટિસિટીનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું આવશ્યક છે.
રેન્સમવેરનો ઉપયોગઃ સાયબર ગઠિયાઓ રેન્સમવેર નામક એક ઘાતક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. જે ડિજિટલ ગેરવસૂલીની સૌથી સીધી પદ્ધતિઓમાંની એક છે. શરૂઆતમાં તેઓ કમ્પ્યુટર્સમાંથી મૂલ્યવાન ડેટાને બહાર કાઢે છે. ત્યારબાદ તેમને પાંગળા બનાવી દે છે. જે નોંધપાત્ર વ્યક્તિગત અને નાણાકીય ગરબડ પેદા કરે છે. ત્યારબાદ પીડિતોને ભારે ખંડણી ચૂકવવા દબાણ કરવામાં આવે છે. આવા જોખમોનો સામનો કરવા માટે, વ્યવસાયો માટે અલગ સર્વર્સ પરના તેમના ડેટાની સુરક્ષા કરવી અગત્યની છે. આ ઉપરાંત સાયબર ગઠિયાઓ માલવેરનો ઉપયોગ કરે છે. જે કમ્પ્યુટરની માહિતી પ્રણાલીનું કમાન્ડિંગ અને ટ્રાન્સફર કરવા સક્ષમ છે. આ ટૂલ માત્ર ડેટાની ચોરી અને ફેરફારને જ નહિ પરંતુ સાયબર અપરાધીઓને તેમના નેટવર્કમાં વાયરસ દાખલ કરીને સંસ્થાઓને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે. એકવાર માલવેર નેટવર્કમાં ઘૂસણખોરી કરે છે તે તમામ કનેક્ટેડ સિસ્ટમો અને ઉપકરણોને ગંભીર રીતે નુકસાન કરી શકે છે. આ હથિયાર સાયબર હુમલાઓની અસરને વધારે છે અને સંભવિત રીતે અઠવાડિયા કે મહિનાઓ સુધી વિસ્તારે છે.
એલર્ટનેસ અત્યંત આવશ્યકઃ આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની સર્વવ્યાપી છે. જેમાં વેબસાઈટ વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને રીતે મહત્ત્વપૂર્ણ છે. જેથી સાયબર અપરાધીઓ આ નિર્ભરતાનો ઉપયોગ કરે છે, ટાર્ગેટ બનાવે છે. ઓનલાઈન સુરક્ષાને પણ તેઓ ભેદી શકે છે. આવા જોખમોને ઘટાડવા માટે, યુઝર્સે મજબૂત પાસવર્ડ રાખવા જોઈએ તેમજ શંકાસ્પદ લિંક્સ અને વેબસાઈટ્સને નજરઅંદાજ કરીને સાવધાની સાથે ઈમેલ ચેક કરવા જોઈએ. તદુપરાંત પ્રીમિયમ એન્ટિ વાયરસ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરવા જોઈએ.
ડિજિટલ લેન્ડસ્કેપનું રક્ષણઃ સાયબર ધમકીઓ વિશે જનજાગૃતિમાં વધારો થાય તે જરુરી છે. સાયબર હુમલાઓ, વ્યૂહરચના, નિવારક પગલાં અને યોગ્ય પ્રતિસાદ વગેરે પર યુઝર્સને શિક્ષણ આપવું જરુરી છે. ખાસ કરીને શાળાઓ, હોસ્પિટલો અને સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં જાગૃતિ અભિયાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા વ્યાપક અભિગમો દ્વારા જ સાયબર સુરક્ષા સાચા અર્થમાં મેળવી શકાય છે. જેનાથી ડિજિટલ લેન્ડસ્કેપનું રક્ષણ કરી શકાય છે.
બોગસ વેબસાઈટ્સનું જોખમઃ હેકર્સ સાયબર હુમલાઓ કરવા માટે નકલી વેબસાઈટ્સ અને રેન્સમવેર સહિતના માલવેરનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. નેશનલાઈઝ્ડ બેન્ક અને વિશ્વસનીય કોર્પોરેટ્સની નકલ કરતી બોગસ વેબસાઈટની જાળમાં યુઝર્સ સરળતાથી ફસાઈ જાય છે. આ એક ચિંતાનો વિષય છે. યુઝર્સને અનબિલિવેબલ ઓફર્સથી લલચાવવામાં આવે છે. એકવાર યુઝર્સ ફસાઈ જાય ત્યારબાદ તેની વ્યક્તિગત અને નાણાકીય માહિતી સાથે ચેડા કરવામાં આવે છે.