સિયોલ: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયા બાદ તમામની નજર બંધારણીય કોર્ટ પર છે, જે રાષ્ટ્રપતિ યૂન સુક યોલના મહાભિયોગ પર અંતિમ નિર્ણય લેશે. યુનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરી રહ્યા છે.
નેશનલ એસેમ્બલીએ શનિવારે રાષ્ટ્રપતિ યુન સુક-યોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો. માર્શલ લૉ લાગુ કરવા માટે ગયા અઠવાડિયે તેમની સામે આ ઠરાવ લાવવામાં આવ્યો હતો.
યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હવે સંસદના નિર્ણયને મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે કોર્ટ પાસે 180 દિવસનો સમય છે. જે અંતર્ગત કાં તો યૂનને પદ પરથી હટાવી દેવામાં આવશે અથવા તો તેમને ફરીથી પદ પર બેસાડવામાં આવશે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ છેલ્લું મહાભિયોગ 2016 માં થયું હતું, જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પાર્ક ગ્યુન-હેને તેમની બેઠક પરથી દૂર કરવામાં આવ્યા હતા.
પાર્ક માટે નેશનલ એસેમ્બલીની વિનંતીને મંજૂર કરવામાં કોર્ટને 91 દિવસનો સમય લાગ્યો હતો. દિવંગત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોહ મૂ-હ્યુનના કિસ્સામાં, કોર્ટે 63 દિવસની ચર્ચા પછી 2004માં સંસદની મહાભિયોગની વિનંતીને ફગાવી દીધી હતી.
જો યુન પર મહાભિયોગ લગાવવામાં આવે છે, તો દક્ષિણ કોરિયાએ તેમના પદ છોડ્યાના બે મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવી પડશે. ત્યાં સુધી વડા પ્રધાન હાન ડક-સૂ કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપશે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ યૂને મંગળવારે (03 ડિસેમ્બર) રાત્રે ઇમરજન્સી માર્શલ લૉની જાહેરાત કરી હતી, પરંતુ બુધવારે સંસદમાં તેની વિરુદ્ધ મતદાન થયા બાદ તેને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. માર્શલ લો માત્ર થોડા કલાકો માટે જ અમલમાં રહ્યો. જો કે, થોડા કલાકો માટે લાગુ કરાયેલા માર્શલ લોએ દક્ષિણ કોરિયાના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી હતી.
આ પણ વાંચો: