લાહોર : શહેબાઝ શરીફ આગામી પાક પીએમ બનવાની સંભાવના: શેહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે તેમની આગેવાની હેઠળના મુખ્ય રાજકીય પક્ષોનું ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે સરળ બહુમતીનો આંકડો સરળતાથી પાર કરશે. જો આમ થશે તો ચૂંટણી પછી ખંડિત જનાદેશ બાદ પાકિસ્તાનના રાજકીય ભાવિ અંગેની અટકળોનો અંત આવશે.
મરિયમ નવાઝને પંજાબના સીએમ બનાવ્યાં : પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના પ્રમુખ શેહબાઝ શરીફને મંગળવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન પદ માટે તેમની પાર્ટી દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે. PML-Nના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે 'X' પર કહ્યું કે પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફ (74)એ તેમના નાના ભાઈ શહેબાઝ શરીફ (72)ને વડાપ્રધાન પદ માટે અને પુત્રી મરિયમ નવાઝ (50)ને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે.
ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ : તેમણે કહ્યું કે નવાઝ શરીફે પીએમએલ-એન (આગામી સરકારની રચનામાં) સમર્થન કરનારા રાજકીય પક્ષોનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવા નિર્ણયો પાકિસ્તાનને સંકટમાંથી બહાર લાવશે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સિવાયના મુખ્ય પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ પીએમએલ-એનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરશે.
બિલાવલની ઇચ્છા : બિલાવલ ભૂટ્ટોએ પોતાની મહેચ્છા જાહેર કરતાં કહ્યું છે કે હું ઈચ્છું છું કે મારા પિતા ઝરદારીને પાકિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે ઈસ્લામાબાદમાં કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પીપીપીના અધ્યક્ષ ઝરદારી (68)એ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
બિલાવલ ભૂટ્ટોનું સમર્થન : વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા બિલાવલે કહ્યું કે તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના વડાપ્રધાન પદ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉમેદવારને સમર્થન આપશે. બિલાવલે એમ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે તેના પિતા ઝરદારી આગામી રાષ્ટ્રપતિ બને. બિલાવલે કહ્યું કે હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તે મારા પિતા છે, હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે દેશ આ સમયે ભારે સંકટમાં છે અને જો કોઈ આ આગને બુઝાવી શકે છે તો તે આસિફ અલી ઝરદારી છે. પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ ડૉ.આરિફ અલ્વી આવતા મહિને પોતાનું પદ છોડવા જઈ રહ્યા છે.'