કેનેડા : ઓન્ટારિયો પ્રાંતમાં ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના સંબંધમાં મૃતકના ઘરના સાથી પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો અને તેની ધરપકડ કરી છે.
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા : પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ગુરાસીસ સિંઘ લેમ્બટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો હતો. રવિવારના રોજ સારનિયામાં તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસને 194 ક્વીન સ્ટ્રીટ ખાતે હત્યાના રિપોર્ટ માટે ઈમરજન્સી કોલ મળ્યો હતો. મૃતક ગુરાસીસ સિંઘ અને 36 વર્ષીય આરોપી ક્રોસલી હન્ટર એક રૂમિંગ હાઉસના રહેવાસી હતા.
રૂમમેટ પર હત્યા કર્યાનો આરોપ : પોલીસે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ગુરાસીસ સિંઘ અને હન્ટર રસોડામાં હતા ત્યારે ઝઘડો થયો, જ્યાં બાદમાં આરોપીએ છરી વડે ગુરાસીસસિંઘ પર ઘણી વખત ઘા ઝીંક્યા અને તેની હત્યા કરી હતી. પોલીસે મૃતક ગુરાસીસ સિંઘના મૃતદેહને શોધી કાઢ્યો અને આરોપી હન્ટરને કસ્ટડીમાં લીધો છે.