વોશિંગ્ટન : અમેરિકામાં વધુ એક ચિંતાજનક ઘટના બની છે. ડાઉનટાઉન વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ 41 વર્ષીય વિવેક તનેજાની અજાણ્યા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેના પર જીવલેણ હુમલો થયો હતો. ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા વિવેક તનેજાનું મૃત્યુ થયું છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર 2 ફેબ્રુઆરીના રોજ સવારે 2 વાગ્યાની આસપાસ શોટો રેસ્ટોરન્ટની બહાર 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટના 1100 બ્લોક પાસે આ બનાવ બન્યો હતો. જ્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ફૂટપાથ પર વિવેક તનેજા ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિવેક તનેજા અને એક અજાણ્યા માણસ વચ્ચે શરૂ થયેલી મૌખિક દલીલ બાદમાં ગંભીર મારામારીમાં બદલાઈ હતી. CBS સાથે સંકળાયેલ વોશિંગ્ટન ડીસીના એક ટેલિવિઝન સ્ટેશન WUSA એ જણાવ્યું હતું કે, આ દરમિયાન વિવેક તનેજા જમીન પર પટકાયો અને તેનું માથું ફૂટપાથ પર અથડાયું હતું.
બુધવારના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે હવે વિવેક તનેજાના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિવેક તનેજા ડાયનેમો ટેક્નોલોજીના સહસ્થાપક અને પ્રમુખ હતા. કંપનીની વેબસાઇટ અનુસાર વિવેક તનેજા ડાયનેમોની વ્યૂહાત્મક, વૃદ્ધિ અને ભાગીદારી પહેલનું નેતૃત્વ કરે છે. જેમાં ફેડરલ સરકારના કોન્ટ્રાક્ટિંગ ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવે છે.
પોલીસે આ મારામારીમાં સંડોવાયેલા વ્યક્તિની શોધ શરુ કરી છે. આ શખ્સ સર્વેલન્સ કેમેરામાં કેદ થયો હતો. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (MPD) 15મી સ્ટ્રીટ NW ના 1100 બ્લોક પર 2 ફેબ્રુઆરીએ થયેલી હત્યામાં સંડોવાયેલા શંકાસ્પદ શખ્સને ઓળખવા અને શોધવામાં જનતાની મદદ માંગી રહી છે.
MPD દસ્તાવેજો અનુસાર હુમલો અંગે જાણ થતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ હુમલાના કારણે જીવલેણ ઇજાઓથી પીડાતા પુખ્ત પુરુષને શોધી કાઢ્યો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 7 ફેબ્રુઆરીના રોજ હુમલાનો ભોગ બનનારે દમ તોડ્યો હતો. MPD દ્વારા હુમલામાં સંડોવાયેલા શખ્સ અથવા હુમલાખોર અંગે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સપ્તાહની શરૂઆતમાં શિકાગો ખાતે ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલી પર લૂંટારુઓએ હુમલો કર્યો હતો. અગાઉ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની પર જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં એક બેઘર ડ્રગ એડિક્ટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષે યુએસમાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે.