ન્યૂયોર્ક: તાજેતરમાં જ અમેરિકાની પર્ડ્યૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય-અમેરિકન વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, આ વિદ્યાર્થીના મોતનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓ આ વિદ્યાર્થીનું મૃત્યું માથામાં ગોળી વાગવાથી થયું હોવાનું જણાવ્યું છે. મૃતક મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટનો અભ્યાસ કરતો હતો.
વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું ભેદી મોત: અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યું થયું છે. 23 વર્ષીય આ મૃતક વિદ્યાર્થીનું નામ સમીર કામથ છે. સમીર અમેરિકાના ઈન્ડિયાનાના વેસ્ટ લફાયેટ શહેરની પર્ડયૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. સમીર ગત વર્ષે ઓગસ્ટમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી અને ડોક્ટરેટનો અભ્યાસ કરી રહ્યો હતો, અધિકારીઓએ સમીરના મોતને આપઘાત ગણાવ્યો છે અને આ મામલે આધિકારીક મેડિકલ રિપોર્ટ પણ પેન્ડિંગ છે.
અમેરિકાની નાગરિકતા ધરાવતો હતો સમીર: મહત્વપૂર્ણ છે કે, સમીર પાસે અમેરિકાની નાગરકિતા પણ હતી. 5 ફેબ્રુઆરીના રોજ આશરે 5 વાગ્યે, ઇન્ડિયાનાના વિલિયમસ્પોર્ટમાં NICHES લેન્ડ ટ્રસ્ટ - ક્રો ગ્રોવના જંગલમાંથી સમીર કામથનો મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસો પહેલાં પર્ડ્યૂ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભારતીય મૂળના વિદ્યાર્થી કે જેનું નામ નીલ આચાર્ય હતું તેનો પણ શંકાસ્પદ મૃતદહે યૂનિવર્સિટીના કેમ્પસ માંથી મળ્યો હતો.
2024નો બીજો મહિનો ચાલી રહ્યો છે પરંતુ આ વર્ષે આ પાંચમો બનાવ છે જેમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનું સંદિગ્ધ મોત થયાની ઘટના ઘટી છે, બીજી તરફ અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓને લઈને ભારતમાં રહેતાં ઘણા વિદ્યાર્થીઓના પરિવારમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.