નવી દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા સ્વિસ વિદેશ પ્રધાન ઈગ્નાઝિયો કેસિસે સોમવારે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં બંને દેશના વિદેશ પ્રધાનોએ યુક્રેન યુદ્ધ અને તેના જેવી અન્ય વૈશ્વિક સમસ્યાઓ પર વિશદ ચર્ચા-વિચારણા કરી.
ફેડરલ કાઉન્સિલર અને સ્વિસ વિદેશ પ્રધાન ઇગ્નાઝિયો કેસિસ નવી દિલ્હીના મહેમાન બન્યા છે. તેમની આ મુલાકાતનો ઉદ્દેશ્ય એશિયા પેસિફિક સેક્ટરમાં સ્વિટ્ઝર્લેન્ડના રિલેશન નેટવર્કને મજબૂત કરવાનો છે. ભારત બાદ કેસીસ ચીન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સ દેશનો પ્રવાસ ખેડશે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, આજે બપોરે સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ પ્રધાન @ignaziocassisનું સ્વાગત કરતાં આનંદ થયો. તેમણે આગળ લખ્યું કે, ગત વર્ષે ઈન્ડિયા-સ્વિટ્ઝર્લેન્ડ મૈત્રી સંધિના 75મા વર્ષની ઉજવણી બાદ, અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ. યુક્રેનમાં સંઘર્ષ સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. 'મિશન ટુ ધી સન' માટે સ્વિટ્ઝર્લેન્ડનો આભાર. ભારત આદિત્ય L1 દ્વારા આ મિશન પૂર્ણ કરી રહ્યું છે.
ઈન્ડિયા-સ્વિટ્ઝર્લેન્ડ મૈત્રીની 70મી વર્ષગાંઠની ઉજવણી ટાણે 2018માં નવી દિલ્હી ખાતે ઈગ્નાઝિયો કેસિસ પધાર્યા હતા. અમારી વચ્ચે થયેલ વાતચીતમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં પ્રગતિ અને શિક્ષણ-સંશોધન-નવીનતા પર સહકાર આપવા ભાર મુકવામાં આવ્યો છે.
તેમની મુલાકાતનો હેતુ આ દેશો સાથેના સંબંધોને મજબૂત કરવાનો અને યુક્રેનમાં શાંતિની પહેલ પર ચર્ચા કરવાનો છે. જાન્યુઆરીના મધ્યમાં, સ્વિસ પ્રમુખ વિઓલા એમ્હાર્ડે જાહેરાત કરી હતી કે સ્વિટ્ઝર્લેન્ડે ભાવિ શાંતિ પરિષદોના આયોજન દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાંથી લેન્ડમાઈન દૂર કરી મદદ કરી છે તેમજ યુક્રેનના પુનઃનિર્માણને સમર્થન આપવાની યોજના બનાવી છે.
તાજેતરમાં, ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ 16 વર્ષની વાટાઘાટો પછી મુક્ત વેપાર કરાર માટે સહમત થયા છે. સ્વિસ ઈકોનોમી મિનિસ્ટર ગાય પરમેલિન ગત મહિને તેમના સમકક્ષ પીયૂષ ગોયલને મળવા નવી દિલ્હી આવ્યા હતા. જે દરમિયાન આ સહમતિ થઈ હતી. અત્યારે આ સહમતિ અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલથી ભારતીય યુવાનો માટે રોજગારનું સર્જન થશે.