નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે બેલ્જિયમના ટોચના રાજદ્વારી થિયોડોરા જેન્ટીઝ સાથે ભારતીય હીરા ઉદ્યોગ સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત અને બેલ્જિયમ વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી. X પર એક પોસ્ટમાં, જયશંકરે કહ્યું, આજે સેક્રેટરી જનરલ @BelgiumMFA થિયોડોરા જેન્ટ્ઝિસ સાથે ચર્ચા કરી. જેમાં ભારત, બેલ્જિયમ અને EU વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત બનાવવાની ચર્ચા કરી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યુ.
એન્ટવર્પ અને ગુજરાતી હીરાના વેપારીઓઃ મૂળ રશિયન હોવાના શંકાસ્પદ હીરાની આયાત પર એન્ટવર્પ પોલીસ અને કસ્ટમ વિભાગ સઘન ચકાસણી કરી રહ્યું છે. જેના લીધે ખાસ કરીને ગુજરાતના હીરાના વેપારીઓની ચિંતા વધી છે. યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં યુરોપિયન યુનિયન અને G7 પ્રતિબંધોને પગલે આ પરિવર્તન આવ્યું છે. એન્ટવર્પ એ સદીઓથી વૈશ્વિક હીરાના વેપારનું હબ રહ્યું છે અને તેમાં મોટાભાગે ગુજરાતી હીરાના વેપારીઓનું વર્ચસ્વ છે.
ગત વર્ષે બેલ્જિયમની મુલાકાતઃ ભારત EU વેપાર અને ટેકનોલોજી પરિષદની પ્રથમ બેઠકમાં ભાગ લેવા વિદેશ પ્રધાન ગયા વર્ષે મે મહિનામાં બેલ્જિયમની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન, જયશંકર બેલ્જિયમના પીએમને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહિત વધતા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. સમકાલીન વ્યૂહાત્મક ચિંતાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેલ્જિયમનું ભારતને સમર્થનઃ બેલ્જિયમ સપ્ટેમ્બર 1947માં સ્વતંત્ર ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ યુરોપીયન દેશોમાંનો એક હતો. ગાઢ દ્વિપક્ષીય સંબંધો વહેંચાયેલ સમાનતાઓ અને કાયદાના શાસન, સંઘવાદ અને બહુમતીવાદની પ્રતિબદ્ધતા પર આધારિત છે. બેલ્જિયમ યુએનએસસીના કાયમી સભ્યપદ માટેની ભારતને સમર્થન આપે છે.