અમદાવાદ: ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપતાં સ્ટાર્ટઅપ્સને મહત્વનું પ્લેટફોર્મ પ્રદાન કરતી પહેલ ‘કલ કે કરોડપતિ (KKK)’નું અમદાવાદમાં મંગળવારે જાણીતા અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પહેલમાં ગુજરાતભરમાંથી 500 સ્ટાર્ટઅપ્સને તેમના બિઝનેસ પ્રસ્તાવો અને ખ્યાલો રજૂ કરવા આમંત્રિત કર્યા હતાં. જેમાંથી વિવિધ ઉદ્યોગોમાં ઈનોવેટિવ સોલ્યુશન્સ પ્રદાન કરતાં 27 આશાસ્પદ સાહસોની પસંદગી કરવામાં આવી છે.
ઉદ્યોગસાહસિકોને સહાય: આ પહેલની શરૂઆત ગુજરાત ચેપ્ટરથી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. કલ કે કરોડપતિ એ સ્ટાર્ટઅપ્સ, વીસી ફંડ્સ અને રોકાણકારોનું અનેરૂ જોડાણ રજૂ કરે છે. જે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વ્યાપક અભિગમ અપનાવી ફંડ ઊભુ કરવાના પ્રયાસોને સફળ બનાવે છે. પ્રથમ ચેપ્ટરની શરૂઆત ખાસ કરીને ગુજરાતના વાઈબ્રન્ટ લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સ અને મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સહાય કરતું નવુ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
"કલ કે કરોડપતિ સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોની સમૃદ્ધ ઇકોસિસ્ટમ કેળવવા માટે પ્રશંસનીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે, જેના મારફત આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. જેમાંના ઘણા નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસો આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ માટે નોંધપાત્ર સફળતાનો માર્ગ તૈયાર કરશે, પરિણામે રોજગારની વિશાળ તકોનું સર્જન થશે." - સુનિલ શેટ્ટી, અભિનેતા
કલ કે કરોડપતિની પ્રથમ સિઝનમાં આ સ્ટાર્ટઅપ્સ રોકાણકારો પાસેથી 15 કરોડના EOI પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમજ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે. કલ કે કરોડપતિ પહેલ ટેક્નોલોજી, શિક્ષણ, ટ્રાવેલ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રે નવી તકોનું સર્જન ઉપરાંત રોકાણોની સુવિધા પ્રદાન કરતાં આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા માટે તૈયાર છે.