રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે આજે સવારે ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા. સોનુ નિગમ સવારે 7.15 વાગે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચ્યા હતા. હેલિપેડ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ઘણા ચાહકોએ તેની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. હેલીપેડ ખાતે મંદિર સમિતિ અને તીર્થ પુરોહિત સમાજે તેમનું સ્વાગત કર્યું હતું. સોનુ નિગમ સાથે પરિવારના સભ્યો પણ કેદારનાથના દર્શને પહોંચ્યા હતા.
સોનુ નિગમ પહોંચ્યા કેદારનાથ: સોનુ નિગમ હેલિપેડથી પગપાળા કેદારનાથ મંદિરે પહોંચ્યા હતા. તે પછી અન્ય યાત્રીઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન શિવની પૂજા કરી જલાભિષેક કર્યો હતો. મંદિરના પ્રાંગણમાં, મંદિર સમિતિના અધિકારી-પ્રભારી, કાર્યપાલક ઇજનેર અનિલ ધ્યાનીએ બોલિવૂડ ગાયક સોનુ નિગમનું સ્વાગત કરી ભગવાન કેદારનાથનો પ્રસાદ આપ્યો હતો. BKTC મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે આ મુદ્દે જણાવતા કહ્યું હતું કે, પ્રખ્યાત ગાયક સોનુ નિગમ કેદારનાથ મંદિરની મુલાકાત લીધા પછી અભિભૂત થઈ ગયા હતા.
હું હંમેશા ભગવાનનો આભારી છું: સોનુ નિગમને જ્યારે પૂછવામાં આવ્યું કે તે અચાનક જ ભગવાન કેદારનાથના દર્શન કરવા કેમ આવ્યા ત્યારે નિગમે જણાવતા કહ્યું કે, 'સમજો કે મને ભગવાનનો સંદેશા આવ્યો હતો. અને હું આવી ગયો. હું હંમેશા ભગવાનનો આભારી છું.' આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું કે તે હંમેશા તેમના સંઘર્ષના સારા અને ખરાબ દિવસોમાં ભગવાનને તેમજ તેમના સાથીદારોન યાદ કરે છે, જેમણે મુંબઈમાં ખરાબ સમયમાં તેમનો સાથ આપ્યો હતો.
સોનુ નિગમે દેશની તમામ ભાષાઓમાં ગીતો ગાયા છે: નોંધનીય છે કે સોનુ નિગમે બોર્ડર ફિલ્મમાં "સંદેશ આતે હૈ હમે તડપાતે હૈં જો ચિઠ્ઠી આતી હૈ પૂછે જાતી કી ઘર કબ આઓગે" ગીત ગાઈને દેશ-વિદેશમાં તેના ચાહકોને આકર્ષ્યા હતા. આજે 27 વર્ષ પછી પણ આ ગીત લોકપ્રિયતાના પ્રથમ સ્થાને છે. સોનુ નિગમે દેશની તમામ ભાષાઓમાં ગીતો ગાયા છે. ઉપરાંત તેમણે માતા રાનીના જાગરણમાં ભજનો પણ ગયા છે અને ખ્યાતિ મેળવી હતી. આ સાથે હિન્દી, પંજાબી, ઉડિયા, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં ગીતો ગયા છે. આ પ્રસંગે પ્રભારી અધિકારી, કાર્યપાલક ઇજનેર અનિલ ધ્યાની સાથે પૂજારી શિવશંકર લિંગ, કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારી સાથે વરિષ્ઠ વહીવટી અધિકારી યદુવીર, વેદપતિ સ્વયંબર સેમવાલ પુષ્પાવન, લોકેન્દ્ર રેવાડી, અરવિંદ શુક્લા, પરેશ્વર ત્રિવેદી, લલિત ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.