મુંબઈ : જીતુ ભૈયાની લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતની ચોથી સિઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પ્રાઇમ વીડિયોએ આ અંગે કેટલીક તસવીરો શેર કરીને અપડેટ આપી છે. સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જીતેન્દ્ર કુમાર, ચંદન રોય અને ફૈઝલ મલિક સત્તાવાર રીતે રોમાંચક પ્રકરણની શરૂઆત કરતા જોવા મળે છે. ભારત સહિત અનેક દેશોમાં દિલ જીત્યા બાદ આ કોમેડી ડ્રામા ફરીથી દર્શકોના મનોરંજન માટે તૈયાર છે અને તેના શૂટિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
'પંચાયત' સિઝન 4 નું શૂટિંગ શરૂ : પ્રાઇમ વિડિયોએ તેની હિટ ઓરિજિનલ સિરીઝ પંચાયતની સૌથી વધુ રાહ જોવાતી ચોથી સિઝન માટે સત્તાવાર રીતે શૂટિંગ શરૂ કરી દીધું છે. જીતેન્દ્ર કુમાર, ચંદન રોય અને ફૈઝલ મલિક સહિત અન્ય કલાકારોની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું હતું "હે બુટકુન, ચાર કપ ચાય બોલ દીયા જાયે. પંચાયત ઓન પ્રાઇમ, સિઝન 4 નું શૂટિંગ શરૂ"
ચાહકોએ આપી પ્રતિક્રિયા : આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ફુલેરામાં પાછા આવવાનો આનંદ કંઈક અનેરો છે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, શૂટિંગ હવે પૂરું થઈ જવું જોઈએ...આવી શ્રેણીનું શૂટિંગ એડવાન્સ હોવું જોઈએ. સારું, આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ત્રીજા યુઝરે લખ્યું, દેખ રહા હૈ બિનોદ, કૈસે જલ્દી-જલ્દી સ્ક્રિપ્ટ લીખતા હૈ કી અગલી સિઝન રિલીઝ કરને કી તૈયારી હો રહી હૈ. અન્ય એકે કોમેન્ટ કરી, શૂટ ઝડપથી પૂરું કરો, જીવન સાવ બોરિંગ થઈ ગયું છે, એક કામ કરો મેકિંગ જ રિલીઝ કરો.
આવી રહ્યા છે "સચિવજી" : ધ વાયરલ ફીવર (TVF) દ્વારા નિર્મિત પંચાયતનું નિર્માણ દીપક કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. ચંદન કુમાર દ્વારા લખાયેલ તથા મિશ્રા અને અક્ષત વિજયવર્ગીય દ્વારા નિર્દેશિત છે. કાસ્ટમાં જીતેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે, જેમણે પ્રામાણિક સચિવની લોકપ્રિય ભૂમિકા ભજવી છે. આ સિવાય અભિનેતા રઘુવીર યાદવ, નીના ગુપ્તા, સાન્વિકા, ચંદન રોય, ફૈઝલ મલિક, દુર્ગેશ કુમાર, સુનીતા રાજવાર અને પંકજ ઝા પણ મહત્વના રોલમાં છે. આગામી સિઝનમાં કેટલાક નવા પાત્રો પણ ઉમેરવામાં આવ્યા છે.