અમદાવાદ: હાલ ગુજરાતી ફિલ્મ "ઉડન છૂ" થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. પોતાના પ્રેમી સાથેની અચાનક મુલાકાત બાદ પૂર્વ પ્રેમી-પ્રેમિકા વચ્ચે સંબંધો જીવંત બનતા તેમના યુવા સંતાનોની લવ લાઇફમાં ધમસાણ મચે છે. જેના થકી ફિલ્મમાં ડ્રામા, કોમેડી અને કોમ્પલિકેટેડ સ્થિતિ સર્જાય છે. જે મનોરંજન સાથે પ્રેમભર્યો સંદેશ આપે છે.
એક્સિડેન્ટલ ફિલ્મ મેકર અનીશ શાહની જર્ની: હિન્દી ફિલ્મ-સિરિયલના મોટા ગજાના કલાકાર દેવેન ભોજાણીની પ્રથમ ગુજરાતી ફિલ્મ "ઉડન છૂ" ના યુવા નિર્માતા અને દિગ્દર્શક 34 વર્ષીય અનીશ શાહ છે. અનીશ શાહે મૂળે એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે. નાનપણથી જ તબલા અને ગીટાર વાદક તરીકે પાંગરતા કલાકારે 2007થી ગુજરાતી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. 2011ની આસપાસ અર્બન ગુજરાતી ફિલ્મો માટે વાતાવરણ સર્જાતુ હતુ. ત્યારે યુવા અનીશ શાહે ગુજરાતી ફિલ્મમાં સહ-લેખક તરીકે પ્રવેશ કર્યો. અનીશ શાહની લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકેની પ્રથમ ફિલ્મ ઘૂનકી હતી. જેના થકી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત થઈ હતી. ઘૂનકી ફિલ્મમાં હિરો તરીકે હાલના પ્રસિદ્ધ કલાકાર પ્રતિક ગાંધી અને દિક્ષા જોશી સ્ટારકાસ્ટ હતા.
"ઉડન છૂ" ફિલ્મ વિશે જાણો: ગુજરાતના અમદાવાદ સ્થિત બે પરિવારની કથા એટલે "ઉડન છૂ" ફિલ્મ. કુલ 2 કલાક 14 મિનિટના અવિરત મનોરંજન, પ્રાસંગિક ગીતો, મધુર સંગીત અને ઇમોશનલ ડ્રામાને વણી લેતી ઉડન છુ ફિલ્મ અનેક રીતે નોખી છે. ઉડન છૂ ફિલ્મ એ વેડિંગ બેકડ્રોપ સાથે 1990ના સમયના પૂર્વ પ્રેમીઓની અધુરી લવ સ્ટોરી કેવી રીતે પુર્નજીવિત થાય છે એની કહાની છે. '
"ઉડન છૂ" ફિલ્મમાં હસમુખ મહેતાના પાત્રમાં દેવેન ભોજાણી, પાનકોર પાપડવાલાના પાત્રમાં પ્રાચી શાહ પંડ્યા સાથે યુવા કલાકારો આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલ છે. "ઉડન છૂ" માટે કહેવાય છે કે, આ ફિલ્મ એટલે કેટલીક ના કહેવાયેલી લાગણી અને કહેવાઈ ગયેલા સંબંધ વચ્ચે અટવાયેલી પ્રેમની વાત છે. ફિલ્મમાં સિંગલ મધર અને સિંગલ ફાધરથી ઉછરેલા બે યુવા વચ્ચેના પ્રેમની વાર્તા પણ છે. આ ફિલ્મમાં ફિરોઝ ભગત, સ્મિત જોશી, જય ઉપાધ્યાય, અલિશા પ્રજાપતિ અને નમન ગોર સાથી કલાકાર છે.
ફિલ્મના ગીત-સંગીત અને સંવાદો અનોખા છે: "ઉડન છૂ" ફિલ્મનુું મજબૂત પાસુ તેના કર્ણપ્રિય ગીત-સંગીત અને સંવાદો છે. ફિલ્મમાં છ ગીતો છે, જેમાં મુખ્યત્વે 'રહીના જાયે રે', 'કદી એ કદી', 'થોડી યાદ'નો સમાવેશ થાય છે. ગીતનું સંગીત યુવા સંગીતકાર સિદ્ધાર્થ ભાવસારે આપ્યું છે. ફિલ્મમાં અમદાવાદના રિવરફ્રન્ટ અને અટલ બ્રીજ સાથે વિવિધ જાણીતા લોકેશન પર ફિલ્મ શુટ કરવામાં આવી છે. આ ફિલ્મના DOP શ્રી કુમારે તેમની સિનેમેટોગ્રાફિથી ચાર ચાંદ લગાવી દિધા છે.
ફિલ્મના સંવાદોમાં અમદાવાદી ટચ છે. જેમ કે, આરોહી પટેલ તેના પિતાને કહે છે કે, 'તમે એકદમ ટોક્સિક પપ્પા છો'. ફિલ્મના એક દ્રશ્યમાં દેવેન ભોજાણી દીકરીનો હાથ માંગવા આવનાર યુવા પાત્રને કહે છે કે, 'નક્કી કર કે રાખડી બંધાવી છે કે હાર પહેરાવો છે'. વિકેન્ડ હોય કે વિક ડે મિત્રો સાથે માણવા જેવી અનોખી ગુજરાતી ફિલ્મ "ઉડન છૂ"ના યુવા નિર્માતા - દિગ્દર્શક અનીશ શાહ સાથે ETV BHARATનો સંવાદ સાંભળવા જેવો છે.
આ પણ વાંચો