બેંગલુરુ: બેંગલુરુની 24મી ACMM કોર્ટે ગુરુવારે ચિત્રદુર્ગના રેણુકાસ્વામી હત્યા કેસમાં જેલમાં બંધ કન્નડ અભિનેતા દર્શન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં ખોરાક, પથારી અને પુસ્તકો ઘરે લાવવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે દર્શનની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આરોપીને તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડી શકાય નહીં.
દર્શન પાસે હવે કર્ણાટક હાઈકોર્ટમાં જવાનો એકમાત્ર વિકલ્પ છે. જેલમાં આપવામાં આવતો ખોરાક પચી ન શકવાને કારણે તેને ઝાડા-ઊલટી અને વારંવાર મરડો થઈ રહ્યો છે. આ કારણે તેનું વજન ઘટી રહ્યું છે, જેના કારણે દર્શને જેલના અધિકારીઓને ભોજન, પથારી અને પુસ્તકો ઘરે લાવવા વિનંતી કરી હતી. પરંતુ અધિકારીઓ આ વાત માટે સહમત ન હતા. તેમણે પરવાનગી માટે હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે મેજીસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે મુજબ દર્શને કરેલી અરજી પર દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે જુલાઈ સુધી નિર્ણય અનામત રાખ્યો હતો. હવે ગુરુવારે અરજી ફગાવી દેવામાં આવી છે અને આદેશ જારી કરવામાં આવ્યો છે.
દર્શન ચિત્રદુર્ગના રેણુકાસ્વામી હત્યા કેસમાં બીજો આરોપી છે અને તેની 11 જૂને ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર 12 દિવસની પોલીસ પૂછપરછ બાદ તેને 22 જૂનથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ પછી, તે બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે બંધ છે.