મુંબઈ : સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત બાદ ધમાકેદાર તેજી નોંધાઈ હતી. આજે 23 મે, ગુરુવારે બજાર નવા રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty અનુક્રમે 75,499 અને 22,993 ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. Nifty બેન્ક પણ 2.06 ટકા વધીને 48,768 ના સ્તર પર બંધ થયો છે.
BSE Sensex : આજે 23 મે, ગુરુવારે BSE Sensex ગત 74,221 બંધની સામે 32 પોઈન્ટ વધીને 74,253 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 74,158 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને બાદમાં શાનદાર તેજી દાખવીને લગભગ 1,341 પોઈન્ટ ઉપર ચડીને 75,499 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. સતત લેવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 1,196 પોઈન્ટનો હનુમાન કૂદકો મારીને 75,418 ના મથાળે બંધ રહ્યો હતો. જે 1.61 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજે 23 મે, ગુરુવારે NSE Nifty ગત 22,597 બંધની સામે 17 પોઈન્ટ વધીને 22,614 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 22,577 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને બાદમાં શાનદાર તેજી દાખવીને લગભગ 416 પોઈન્ટ ઉપર ચડીને 22,993 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. સતત લેવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 369 પોઈન્ટના ઉછાળા સાથે 22,967 ના મથાળે બંધ રહ્યો હતો. જે 1.64 ટકાનો વધારો દર્શાવે છે.
સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, M&M અને L&T ટોપ ગેઇનર્સમાં સામેલ હતા. બીજી તરફ સન ફાર્મા, પાવર ગ્રીડ, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા લિમિટેડના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો હતો.
હનુમાન કૂદકાનું કારણ : RBI દ્વારા સરકારને રૂ. 2.11 લાખ કરોડનું ઊંચું ડિવિડન્ડ મંજૂર કરવામાં આવ્યું અને બ્લુ ચિપ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કમાં ખરીદીનો ટેકો મેળવ્યો છે. આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતને લઈને રોકાણકારો વધુ આશાવાદી દેખાઈ રહ્યા છે. ચૂંટણીના પ્રથમ પાંચ તબક્કામાં મતદાનની ટકાવારી જોતા ગભરાટ હતો, પરંતુ હવે શેરબજારમાં વધુ વિશ્વાસ જોવા મળી રહ્યો છે.