મુંબઈ : રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપે પોતાના નવા ચેરમેનની પસંદગી કરી છે. નોએલ ટાટા આ ગ્રુપના નવા ચેરમેન હશે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. હાલમાં નોએલ ટાટા સર દોરાબજીના ટ્રસ્ટી છે.
ટાટા ગ્રુપના ટ્રસ્ટી મંડળની બેઠક : ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સેદારી છે, જે ગ્રુપની હોલ્ડિંગ કંપની અને તેની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓને નિયંત્રિત કરે છે. ટાટા ટ્રસ્ટના દિવંગત ચેરમેન પરિણીત નહોતા અને તેમના મૃત્યુ પહેલા કોઈ ઉત્તરાધિકારીની નિમણૂક કરી ન હતી. હવે ટ્રસ્ટી મંડળની આજે બેઠક મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં સેવાભાવી સંસ્થાના ભાવિ નેતૃત્વ અંગે ટ્રસ્ટી મંડળ નિર્ણય કરશે.
કોણ હશે રતન ટાટાના ઉત્તરાધિકારી ? ટાટા ટ્રસ્ટમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તથા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. CNBC-TV 18 ના અહેવાલ મુજબ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે રતન ટાટાના સંભવિત અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર મેહલી મિસ્ત્રીને ટાટા ટ્રસ્ટના બોર્ડમાં કાયમી ટ્રસ્ટી બનાવવામાં આવી શકે છે.
નોએલ ટાટા કોણ છે ? 67 વર્ષીય નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે અને ટાટા ટ્રસ્ટ સહિત ટાટા ગ્રુપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. તેઓ નવલ ટાટાના પુત્ર છે. તેઓ પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે.
હાલમાં નોએલ ટાટા ઘડિયાળ ઉત્પાદક કંપની ટાઇટન અને ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટ (જુડિયો અને વેસ્ટસાઈડના માલિક) અને તેની NBFC ફર્મ ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પના ચેરમેન પણ છે. નોએલ વોલ્ટાસના બોર્ડમાં પણ સેવા આપે છે.
ટાટા ઈન્ટરનેશનલમાં નોએલ ટાટા મેનેજિંગ ડિરેક્ટર પણ છે, જ્યાંથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010-11 માં આ નિમણૂક પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે નોએલને ટાટા ગ્રૂપના વડા તરીકે રતન ટાટાના અનુગામી બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.