નવી દિલ્હી: એવો નિર્ણય આવી શકે છે જે જૂના અને વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનોના રિસેલ માર્કેટને અસર કરશે. GST કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ આવા વાહનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવાની ભલામણ કરી છે.
આ સૂચિત વધારો જૂના અને વપરાયેલ ઈલેક્ટ્રિક વાહનો (EVs) પર પણ લાગુ થશે, જે હાલમાં 25 જાન્યુઆરી, 2018 ના રોજના નોટિફિકેશન નંબર 08/2018-કેન્દ્રીય ટેક્સ (રેટ) હેઠળ 12 ટકાના નીચા દરે ટેક્સ વસૂલવામાં આવે છે.
હાલમાં, જૂના અને વપરાયેલા વાહનો પર સપ્લાયરના માર્જિનના આધારે ટેક્સ લાદવામાં આવે છે, જે અસરકારક ટેક્સ બોજને પ્રમાણમાં ઓછો બનાવે છે.
GST રેટ
- 1200 સીસી કે તેથી વધુની એન્જિન ક્ષમતા અને 4000 મીમી કે તેથી વધુ લંબાઈવાળા પેટ્રોલ, એલપીજી અથવા સીએનજી પર ચાલતા વાહનો માટે 18 ટકા વસૂલવામાં આવે છે.
- 1500 સીસી કે તેથી વધુની એન્જિન ક્ષમતા અને 4000 મીમી કે તેથી વધુ લંબાઈવાળા ડીઝલ વાહનો માટે 18 ટકા ચાર્જ લેવામાં આવે છે.
- 1500 સીસીથી વધુની એન્જિન ક્ષમતા ધરાવતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) પર 18 ટકા GST લાગે છે.
- EV સહિત અન્ય તમામ વાહનો પર 12 ટકા GST લાગુ છે.
સેકન્ડ હેન્ડ વાહનોના રીપેરીંગ અને જાળવણી માટે ઉપયોગમાં લેવાતા ઇનપુટ પાર્ટ્સ અને સેવાઓ પર પહેલેથી જ 18 ટકા GST લાગે છે, જે યુઝ્ડ કારના બજારમાં ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરે છે. જો GST દરમાં વધારો લાગુ કરવામાં આવે છે, તો ઉદ્યોગને સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ પર એકંદરે વધુ કરવેરાનો સામનો કરવો પડી શકે છે, જે આ સેગમેન્ટમાં માંગમાં ઘટાડો તરફ દોરી શકે છે.
આ પણ વાંચો: