અમદાવાદ: સોના પ્રત્યે ભારતીયોનો પ્રેમ અકબંધ રહ્યો છે. લગ્નની સીઝન હોય, તહેવાય હોય કે પછી કોઈ ખાસ અવસર હોય, સોનું ખરીદવાની પરંપરા હંમેશાથી રહી છે. કેટલાક લોકો લગ્ન માટે સોનું ખરીદતા હોય છે તો કેટલાક રોકાણ કરવા માટે. જોકે સોનાના ભાવ તાજેતરમાં જે ગતિએ વધ્યા છે, તે બાદ રોકાણ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષની જ વાત કરીએ તો સોનાના ભાવમાં 20 હજાર રૂપિયાથી વધુનો વધારો આવી ગયો છે.
10 વર્ષમાં કેટલા વધ્યા સોનાના ભાવ
છેલ્લા 10 વર્ષમાં સોનાના ભાવ પર નજર કરીએ તો 1 ઓક્ટોબર 2015ના રોજ 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 26250 રૂપિયા હતા, જ્યારે 10 વર્ષ બાદ 1 ઓક્ટોબર 2024ના રોજ સોનાની કિંમત 78,000 રૂપિયા સુધી પહોંચી હતી. આમ 10 વર્ષમાં 51,750 રૂપિયાનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં 297 ટકાનો વધારો કહી શકાય. આમ જો કોઈએ 2015માં એક તોલા સોનું ખરીદ્યું હોય તો 1લી ઓક્ટોબર 2024ના રોજ તેમને સીધો 51 હજાર રૂપિયાથી વધુનો લાભ થાય.
દિવાળીમાં અમદાવાદમાં કેટલું સોનું વેચાય છે?
જ્વેલર્સ એસોસિએશનના ખજાનચી જીગર પટેલે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે. 2015માં સોનાનો ભાવ 26000 હતો, જે ચાલુ વર્ષમાં વધીને 80,500 નો ભાવ થયો છે. ગયા વર્ષથી આ વર્ષમાં સોનાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. દિવાળીના તહેવારમાં ટ્રેડિશનલ જ્વેલરી અને બુલિયન બધુ ભેગું કરીએ તો 200 કરોડની આસપાસનો દિવાળીનો બિઝનેસ થયો હોય છે. એમાં બુલિયન વધારે ચાલતુ હોય છે. જ્વેલરી સાથે લગડી, સિક્કા રોકાણ માટે લોકો વધારે લેતા હોય છે. આ વર્ષે પણ બુલિયનનો સારો ટ્રેન્ડ છે, જે રીતે સોનું સારું રિટર્ન આપી રહ્યું છે, એ રીતે રોકાણકારોનું સોનામાં રોકાણ કરવાનો સારો ટ્રેન્ડ રહેશે તેવી પણ તેમને આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: