નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક મોટું અપડેટ કર્યું છે. આ નવા અપડેટ પ્રમાણે પીએફના સભ્યો તેમના પ્રોફાઇલ ડેટાને ઓનલાઈન જ અપડેટ અથવા સુધારી શકે છે. આ મુદ્દે EPFOએ જણાવતા કહ્યું હતું કે, "PF સભ્યો હવે તેમના ડેટામાં ફેરફાર અથવા સુધારા માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અને તે સંબંધિત નિયત દસ્તાવેજો અપલોડ કરી શકે છે."
નવી સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરી: તમને જણાવી દઈએ કે, EPFO એ PF સભ્યો માટે નામ, લિંગ, જન્મ તારીખ, માતા-પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા અને આધાર વગેરે જેવી પ્રોફાઇલ અપડેટ/સુધારવા માટે તેની વેબસાઇટ પર એક નવી સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરી છે.
EPFO હવે ડિજિટલ ઓનલાઈન મોડમાં શરૂ: EPFOએ વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ, 22 ઓગસ્ટ, 2023ના રોજ EPFO દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) દ્વારા સભ્યોની પ્રોફાઇલ્સમાં ડેટાની અખંડિતતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. EPFO દ્વારા હવે તેને ડિજિટલ ઓનલાઈન મોડમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જાણવા જેવી બાબત એ છે કે, સભ્યોએ પહેલેથી જ આ નવી સુવિધાનો ઉપયોગ કરીને તેમની વિનંતીઓ જમા કરવાનું શરૂ કરી દીધું છે, જેમાંથી લગભગ 40,000 ને EPFOની પ્રાદેશિક કચેરીઓ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે.
આશરે 87 લાખ દાવાઓ પ્રાપ્ત થયા: હાલમાં, લગભગ 7.5 કરોડ સભ્યો દર મહિને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમા યોજનાઓમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. EPFOએ જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, આશરે 87 લાખ દાવાઓ સામાજિક સુરક્ષા લાભોના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે, જેમ કે આવાસ માટે એડવાન્સ, બાળકોના મેટ્રિક પછીનું શિક્ષણ, લગ્ન, બીમારી, અંતિમ ભવિષ્ય નિધિ સેટલમેન્ટ, પેન્શન, વીમો વગેરે સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબરને માન્ય કરે: આ ઉપરાંત સંસ્થાએ જણાવ્યું હતું કે, સભ્યો આ લાભોનો ઓનલાઈન દાવો કરે છે, જે એક મજબૂત કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા શક્ય બને છે. જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)માં સભ્યના ડેટાને માન્ય કરે છે.