નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નકલી વિડીયો કેસમાં દિલ્હી પોલીસે અરુણ રેડ્ડીની ધરપકડ કરી છે. જે 'સ્પિરિટ ઑફ કૉંગ્રેસ' નામથી 'X' એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યો હતો. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે. આ દરમિયાન તેલંગાણા પોલીસે નકલી વિડીયો કેસમાં કોંગ્રેસના 5 કાર્યકરોની પણ ધરપકડ કરી છે.
તેલંગાણા કોંગ્રેસના મીડિયા કન્વીનર કમલ મદાગોનીએ ગુરુવારે કહ્યું હતું કે તેલંગાણા ઈન્ટરનેટ મીડિયા કન્વીનર નવીન અને તસ્લીમા સહિત 5 લોકોની તેલંગાણા ભાજપની ફરિયાદ પર તેલંગાણા પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પછી દિલ્હી પોલીસે આ કેસમાં 'સ્પિરિટ ઑફ કૉંગ્રેસ'નું સંચાલન કરતા અરુણ રેડ્ડીની ધરપકડ કરી છે.
કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે શુક્રવારે કહ્યું કે દિલ્હી પોલીસે અરુણ રેડ્ડીને કોઈપણ માહિતી કે એફઆઈઆર જાહેર કર્યા વિના અટકાયતમાં લીધાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. ટાગોરે લખ્યું, "અમે અરુણને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરીએ છીએ. શાસન દ્વારા સત્તાનો આ સરમુખત્યારશાહી દુરુપયોગ નિંદનીય છે."
કથિત નકલી વિડીયોમાં અમિત શાહને એવું કહેતા સાંભળી શકાય છે કે ભાજપ દેશમાં અનામતની વિરુદ્ધ છે. જો કે ભાજપે વાયરલ ક્લિપને નકલી ગણાવી છે. આ બાબતના ધ્યાન પર આવ્યા પછી, દિલ્હી પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 91 અને 160 હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત વ્યક્તિઓને તપાસમાં જોડાવા અને પુરાવા તરીકે સંબંધિત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
હૈદરાબાદ પોલીસનું કહેવું છે કે શુક્રવારે તેમણે આ કેસના સંબંધમાં તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના 5 સોશિયલ મીડિયા કાર્યકરોની ધરપકડ કરી છે. આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેને આ શરત સાથે જામીન આપવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ ₹10,000ની જામીનની રકમ જમા કરાવવાની રહેશે અને આગળના આદેશો સુધી સોમવાર અને શુક્રવારે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે.