પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ગુરુવારે સાંજે ઘાયલ થયા હતા. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. ઈજા બાદ સીએમને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને માથામાં ટાંકા આવ્યા હતા. આ પછી તેઓ મોડી સાંજે ઘરે પરત ફર્યા હતા.
ડોક્ટરે શું કહ્યું ?
હોસ્પિટલના ડાયરેક્ટરે મમતા બેનર્જીના સ્વાસ્થ્યને લઈને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ગુરુવારે સાંજે લગભગ 7:30 વાગ્યે, અમારી હોસ્પિટલને સીએમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ પાછળથી ધક્કો મારવાને કારણે તેમના ઘરમાં પડી ગયા હતા. તેમને માથામાં ઈજા થઈ હતી, કપાળ અને નાક પર તીક્ષ્ણ ઈજા થઈ હતી જેના કારણે ઘણું લોહી વહી રહ્યું હતું.
કપાળ પર ત્રણ ટાંકા આવ્યા:
તેમના કપાળ પર ઈજાના નિશાન હતા. કપાળ પર ત્રણ ટાંકા અને નાક પર એક ટાંકો આવ્યો છે. આ ઉપરાંત જરૂરી ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું છે. તેમની હેલ્થ ચેકઅપને ધ્યાનમાં રાખીને ECG, ECO, ડોપ્લર ટેસ્ટ કરવામાં આવ્યા છે. સીએમને હોસ્પિટલમાં દાખલ રહેવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ઘરે જ રહેવા કહ્યું હતું.
પીએમ મોદીએ સીએમ મમતાની ઈજાની માહિતી મળતાં તેમના માટે પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ લખીને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
યોગાનુયોગ, 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા, મમતા બેનર્જી 10 માર્ચની સાંજે પૂર્વ મિદનાપુરના નંદીગ્રામમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓ નંદીગ્રામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ અને જનસંપર્ક કરી પોતાના નિશ્ચિત નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઈક રીતે કારનો દરવાજો દબાઈ જવાથી તેઓ ઘાયલ થયા હતા. આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના વહીવટી વડા ફરી ઈજાગ્રસ્ત થયા હતા.